શ્રીલંકા સામે જીત્યા બાદ ભારતીય ટીમ માટે ખુલ્યા સેમીફાઈનલના દરવાજા, જાણો ક્વોલિફિકેશનના સમીકરણો
મહિલા T20 વર્લ્ડ કપમાં તમામ ટીમો સેમીફાઈનલમાં પહોંચવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. હાલમાં ચાલ

મહિલા T20 વર્લ્ડ કપમાં તમામ ટીમો સેમીફાઈનલમાં પહોંચવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત દુઃસ્વપ્ન જેવી થઈ હતી. જ્યારે તે પોતાની પહેલી જ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 58 રનથી હારી ગઈ હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને કમબેક કર્યું અને અગાઉની હારનું દર્દ ઓછું કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ટીમ ઈન્ડિયાની નેટ રન નેટ ઓછી રહી હતી. હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાની મહિલા ટીમને 82 રને હરાવ્યું છે. આ સાથે ટીમે સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. શ્રીલંકાની મહિલા ટીમને હરાવીને ભારતની ટ્રેન પાટા પર આવી ગઈ છે.
ભારતની એક મેચ બાકી
ટીમ ઈન્ડિયા મહિલા T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ-એમાં સામેલ છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો સામેલ છે. એક ગ્રુપમાંથી માત્ર બે ટીમ જ સેમીફાઈનલમાં પ્રવેશ કરી શકશે. આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યારે ટોપ પર છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 3 મેચ રમી છે જેમાંથી બે મેચ જીતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમની નેટ રન રેટ પ્લસ 0.576 થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા સાથે એક મેચ બાકી છે, જે 13 ઓક્ટોબરે રમાશે.
સેમીફાઈનલમાં પહોંચવાના સમીકરણો
સેમીફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતવી પડશે. જેથી તેના 6 પોઈન્ટ થાય. ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાના ચાર મેચ બાદ 6 પોઈન્ટ થઈ જશે. ત્યારે ભારતે માત્ર પ્રાર્થના કરવી પડશે કે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન તેમની બાકીની બે મેચમાંથી એક-એક હારી જાય. જો આમ થશે તો ટીમ ઈન્ડિયા સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે.
ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની બાકીની મેચો
- ન્યુઝીલેન્ડ - શ્રીલંકા અને પાકિસ્તાન સામે.
- પાકિસ્તાન - ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે.
પાકિસ્તાન અત્યાર સુધી માત્ર એક જ મેચ જીત્યું છે
પાકિસ્તાનની મહિલા ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ટીમે બે મેચ રમી છે અને માત્ર એક જ જીતી છે. તેમના બે પોઈન્ટ છે અને બે મેચ બાકી છે. જો પાકિસ્તાની ટીમ બાકીની એક મેચ હારે છે તો તેના મહત્તમ ચાર પોઈન્ટ થઈ જશે.
ન્યુઝીલેન્ડની મહિલા ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. ટીમે અત્યાર સુધીમાં બે મેચ રમી છે જેમાંથી તેણે એકમાં જીત મેળવી છે અને તેના બે પોઈન્ટ છે. તેની નેટ રન રેટ માઈનસ 0.050 છે. તેની 2 મેચ બાકી છે. જો ન્યુઝીલેન્ડ તેની બાકીની મેચો પણ હારી જાય છે તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.








