ભારતીય મહિલા ટીમને લાગ્યો મોટો ઝટકો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ સ્ટાર ઓલરાઉન્ડર, આ પ્લેયર કરશે રિપ્લેસ
મહિલા એશિયા કપ 2024 વચ્ચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર શ્રેયંક

મહિલા એશિયા કપ 2024 વચ્ચે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલ સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
ભારતીય ટીમની સ્ટાર શ્રેયંકાને પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં તેની આંગળીમાં ઈજા થઈ હતી અને હવે તેની આંગળીમાં ફ્રેક્ચર થવાને કારણે તે ટૂર્નામેન્ટની બાકીની મેચો રમી શકશે નહીં. યુએઈ સામેની મેચ પહેલા શ્રેયંકા પાટીલના રિપ્લેસમેન્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. 26 વર્ષની લેફટી સ્પિનર તનુજા કંવરને શ્રેયંકાની જગ્યાએ બાકીની મેચો માટે ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવી છે.
ભારતીય મહિલા ટીમને મેચ પહેલા લાગ્યો ઝટકો
ભારતીય મહિલા ટીમે પાકિસ્તાન સામે રમાયેલી તેની પ્રથમ મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં શ્રેયંકા પાટિલ કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. શ્રેયંકાને તેના ડાબા હાથની સૌથી નાની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. મેચમાં ઈજાગ્રસ્ત થવા છતાં તેણે બોલિંગ ચાલુ રાખી હતી. તેણે 3.2 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
તેણે પાકિસ્તાન સામે ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલે માહિતી આપી હતી કે ઈજાના કારણે શ્રેયંકા ટૂર્નામેન્ટની બાકીની મેચો રમી શકશે નહીં. તેના સ્થાને, તનુજા કંવરને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ટીમમાં ઉમેરવામાં આવી હતી, જે વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ માટે રમી હતી, તેણે બીજી સિઝનમાં તેની ટીમ માટે 10 વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમને શ્રેયંકાની ખોટ નહીં પડે તેવી આશા છે.
ભારતની નજર સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવા પર રહેશે
ભારતીય ટીમે એશિયા કપની શરૂઆત પાકિસ્તાનને હરાવીને જીત સાથે કરી હતી. હવે હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ટીમ ગ્રુપ સ્ટેજમાં યુએઈ સામે ટકરાશે. ભારતીય મહિલા ટીમની નજર યુએઈને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરવા પર હશે.








