આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલ, 2.30 વાગ્યાથી મેચ
આજે ભારત ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમી ફાઇનલ રમશે. ભારતે ગ્રુપ

આજે ભારત ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમી ફાઇનલ રમશે. ભારતે ગ્રુપ-Aમાં ન્યૂઝીલેન્ડને હરાવતા ટોપ પર રહ્યું હતું જ્યારે ગ્રુપ Bની બીજા ક્રમની ઓસ્ટ્રેલિયા સામે તે સેમી ફાઇનલ મેચ રમશે.ભારત ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડકપની હારનો બદલો લેવા ઉતરશે. ભારત 2011,2015 અને 2023ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું.
ભારત સામે ભારે પડી શકે છે ટ્રેવિસ હેડ
વન ડે વર્લ્ડકપની ફાઇનલ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતના હાથમાંથી ટ્રેવિસ હેડ બાજી ખેંચી ગયો હતો. હવે ફરી ભારતના બોલરો વિરૂદ્ધ હેડનો મુકાબલો મેચના પરિણામ માટે નિર્ણાયક બનશે. ઓસ્ટ્રેલિયાની આ વન ડે ટીમમાં સ્મિથ અને લાબુશેન બે જ બેટ્સમેન એવા છે જેઓ ધીરજપૂર્વક રમી શકે તેમ છે. બાકી હેડ, કેરી, મેક્સવેલ અને ઇંગ્લિશ વિસ્ફોટક છે. જોકે, તેઓ આ પાર કે પેલે પાર જેવું રમતા હોઇ આઉટ થવાની તકો પણ આપતા હોય છે જે ભારતે ઝડપવાની રહેશે.
શોર્ટ ઇજાગ્રસ્ત
ઓસ્ટ્રેલિયન ઓપનર મેથ્યુ શોર્ટ ઇજાગ્રસ્ત થયો હોઇ તેની ખોટ સાલશે કેમ કે તે બેટિંગ ઉપરાંત સ્પિનર તરીકે પણ કરકસરભર્યો પુરવાર થયો છે. શોર્ટના સ્થાને ઓપનીંગમાં મેકગર્ગ કે હાર્ડીનો સમાવેશ થશે તેમ લાગે છે. ઓસ્ટ્રેલિયા દુબઇની પીચ સ્પિનરોને અનુકૂળ હોઇ એક ફાસ્ટ બોલરને ઓછો કરીને સ્પિનરને સમાવી શકે છે. શોર્ટના સ્થાને ઓસ્ટ્રેલિયાએ કોનોલીને 15 ખેલાડીઓની ટીમમાં સ્થાન આપ્યું છે.
ભારતના સ્પિનરોનો જાદુ
ઓસ્ટ્રેલિયાનો રેગ્યુલર સ્પિનર એડમ ઝમ્પા છે જે પીચ સાથ આપે તો કિંમતી વિકેટો લઇ શકે છે પણ પીચ પરથી તેના બોલને ભારતીય સ્પિનરોની જેમ સ્પિન કરાવી શકતો નથી. તેની સામે ભારતે ન્યુઝીલેન્ડ સામે અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા એમ ચાર સ્પિનરો રમાડીને ન્યુઝીલેન્ડની રણનીતિની રીતે આશ્ચર્ય આપ્યું હતું. વરૂણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપીને સેમી ફાઇનલ માટે પણ તેનો દાવો મજબૂત કર્યો છે.
અર્શદિપને મળશે તક?
ભારત ચાર સ્પિનરોને રમાડે તો મીડિયમ પેસર શમી અને હાર્દિક જ રહે. શમી પ્રભાવી નહીં રહેતા અર્શદિપને સ્થાન મળી શકે પણ સીધો જ તેને ટુર્નામેન્ટની મહત્ત્વની મેચમાં ઉતારાય કે નહિં તે વિચારવાનું રહેશે કેમકે આ ટુર્નામેન્ટમાં તે એક પણ મેચ રમ્યો નથી.
બન્ને સંભવિત ટીમ આ રીતે છે
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, મોહમ્મદ શમી
ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, મેકગર્ક, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોશ ઇંગ્લિશ (વિકેટ કીપર), માર્નસ લાબુસેન, ગ્લેન મેક્સવેલ, એરોન હાર્ડિ, એડમ ઝમ્પા, સ્પેન્સર જોન્સન, નાથન એલિસ, સીન એબોટ








