IPL 2026 Auctionના લિસ્ટમાંથી ગ્લેન મેક્સવેલનું નામ ગાયબ, શું નિવૃત્તિ લઈ રહ્યો છે ઓસ્ટ્રેલિયન ખેલાડી?

IPL 2026 માટે મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાનું છે. આ ઓક્શન માટે કુલ 1,355 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં ઘણા ભારતીય અને વિદેશી સ્ટાર્સનો સમાવેશ થાય છે. જોકે, ઓસ્ટ્રેલિયાના શક્તિશાળી ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું નામ આ યાદીમાંથી ગાયબ છે. IPL 2025 પછી પંજાબ કિંગ્સે મેક્સવેલને રિલીઝ કર્યો હતો, પરંતુ તેણે ઓક્શન માટે પોતાનું નામ નથી નોંધાવ્યું. આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે.
શું મેક્સવેલ IPLમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે?
IPL 2026ના મિની ઓક્શન માટે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 30 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ ગઈ છે અને ગ્લેન મેક્સવેલનું નામ નથી નોંધાયું. મેક્સવેલ 2012થી IPLમાં રમી રહ્યો છે, પરંતુ આ વખતે ઓક્શનમાંથી બહાર નીકળવાનો તેનો નિર્ણય ફેન્સ માટે આશ્ચર્યજનક છે. ફ્રેન્ચાઈઝીઓમાં તેને ખરીદવા માટે બિડિંગ વોર થતી હતી. જોકે, મેક્સવેલ હવે 37 વર્ષનો છે અને તેની કારકિર્દીના છેલ્લા તબક્કામાં છે.
છેલ્લી કેટલીક IPL સિઝનમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ નથી રહ્યું. આ જ કારણે તેણે IPLમાંથી નિવૃત્તિ લીધી છે. ફાફ ડુ પ્લેસિસ અને વેસ્ટ ઈન્ડિઝના આન્દ્રે રસેલે પણ તાજેતરમાં આવું જ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે મેક્સવેલ આવતા વર્ષે ભારત-શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. તે ટેસ્ટ અને ODIમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.
મેક્સવેલે IPL ઓક્શનમાં નામ ન નોંધાવવાનું કારણ પણ જણાવ્યું છે. તેણે એક પોસ્ટ શેર કરી હતી જેમાં કહ્યું કે, "આ મારા માટે એક મોટો નિર્ણય છે. પણ હું IPLથી મળેલા દરેક બોધપાઠ અને અનુભવ માટે આભારી છું. IPLએ મને એક ખેલાડી અને વ્યક્તિ તરીકે નિખાર્યો છે. વિશ્વસ્તરીય ટીમ અને ખેલાડીઓ સાથે રમવા, શાનદાર ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કરવા અને લાગણીશીલ ભારતીય ફેન્સ સામે પ્રદર્શન કરવું મારા કરિયરની ખાસ પળો સમાન છે. આટલા વર્ષોમાં તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર."
IPL 2025માં મેક્સવેલનું પ્રદર્શન
IPL 2025ના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે મેક્સવેલને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ તેની ચોથી IPL ટીમ હતી. જોકે, સિઝનની મધ્યમાં ઈજાને કારણે તેને બહાર કરવામાં આવ્યો જતો. પંજાબે તેના સ્થાને મિચેલ ઓવેનને ટીમમાં સામેલ કર્યો હતો. આ સિઝનમાં મેક્સવેલ 7 મેચમાં માત્ર 48 રન બનાવી શક્યો હતો.
મેક્સવેલની IPL કારકિર્દી
મેક્સવેલે 2012માં દિલ્હી ડેરડેવિલ્સ (અત્યારે દિલ્હી કેપિટલ્સ) માટે IPLમાં ડેબ્યુ કર્યું હતું. પછીના વર્ષે, તેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો, પરંતુ ત્રણ મેચ પછી તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. તે 2014-2017 સુધી કિંગ્સ ઈલેવન પંજાબ (અત્યારે પંજાબ કિંગ્સ નો ભાગ રહ્યો હતા. 2014ની સિઝન તેના માટે શાનદાર રહી, તેણે 16 મેચમાં 187.75ની સ્ટ્રાઇક રેટથી 552 રન બનાવ્યા હતા અને પંજાબને પ્રથમ IPL ફાઈનલમાં પહોંચડવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મેક્સવેલે IPLમાં કુલ 141 મેચ રમી છે, જેમાં તેણે 155.14ની સ્ટ્રાઇક રેટથી 2819 રન બનાવ્યા. તેના નામે 18 અડધી સદી છે, તેણે IPLની એક ઈનિંગમાં સૌથી વધુ 95 રન બનાવ્યા છે. તેણે બોલ સાથે 41 વિકેટ પણ લીધી છે.

