IPL 2026 Mini Auction / 1355 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન, અય્યર-સ્મિથ સહિત ઘણા મોટા નામ સામેલ

IPL 2026નું મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાનું છે, જેના માટે કુલ 1,355 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ 1,355 ખેલાડીઓમાંથી 45 ખેલાડીઓએ સૌથી વધુ બેઝ પ્રાઈસ નક્કી કરી છે. જેમાં ભારતના માત્ર 2 ખેલાડી છે, જ્યારે 43 વિદેશી ખેલાડીઓ છે. IPL 2026 માટે કુલ 77 ખેલાડીઓના સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 31 વિદેશી ખેલાડીઓ માટે છે.
સૌથી વધુ બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ
રવિ બિશ્નોઈ અને વેંકટેશ અય્યર એ 2 ભારતીય ખેલાડીઓ છે જેમણે IPL 2026ના મિની ઓક્શન માટે પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા નક્કી કરી છે. તેમના ઉપરાંત 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા 43 વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, શોન એબોટ, એશ્ટન એગર, કૂપર કોનોલી, જેક ફ્રેઝર-મેકગર્ક, જોસ ઈંગ્લિસ, ઈંગ્લેન્ડના જેમી સ્મિથ, ગસ એટકિન્સન, ટોમ બેન્ટન, ટોમ કરન, લિયામ ડાઉસન, લિયામ લિવિંગસ્ટોન, બેન ડકેટ, ડેનિયલ લોરેન્સ, અફઘાનિસ્તાનના મુજીબ-ઉર-રહેમાન અને નવીન-ઉલ-હક, ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ, રચિન રવિન્દ્ર, માઈકલ બ્રેસવેલ, સાઉથ આફ્રિકાના ગેરાલ્ડ કોટઝી, લુંગી ન્ગીડી, એનરિચ નોર્ટજે અને શ્રીલંકાના મહિશ તીક્ષણા, મથિષા પથિરાના અને વાનિન્દુ હસરંગાનો સમાવેશ થાય છે.
આ સિવાય બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પણ પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું છે. 9 IPL સિઝન રમવાનો અનુભવ ધરાવતા શાકિબે પોતાની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા નક્કી કરી છે.
14 દેશોના ખેલાડીઓએ પોતાના નામ રજીસ્ટર કરાવ્યા છે
IPL 2026ના મિનિ ઓક્શન માટે 14 દેશોના ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે, જેમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ અને USAનો સમાવેશ થાય છે. ભારતીય મૂળના મલેશિયન ક્રિકેટર વિરનદીપ સિંહે પણ એન્ટ્રી મેળવી છે. જમણા હાથના મલેશિયન ઓલરાઉન્ડરે પોતાની બેઝ પ્રાઈસ 30 લાખ રૂપિયા રાખી છે.
77 સ્લોટ માટે 237.55 કરોડ રૂપિયા
IPL 2026 માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ પછી તમામ 10 IPL ફ્રેન્ચાઈઝીઓ પાસે ઓક્શન માટે કુલ 237.55 કરોડ રૂપિયા બાકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી વધુ 64.30 કરોડ રૂપિયા છે, ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 43.40 કરોડ રૂપિયા છે.

