IPL 2026 પહેલા આન્દ્રે રસેલે લીગમાંથી લીધી નિવૃત્તિ, છતાં આ રીતે રહેશે KKRનો ભાગ

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાનો નિર્ણય શેર કરતા તેણે જણાવ્યું હતું કે ભલે તે મેદાન છોડી રહ્યો હોય, પરંતુ તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પરિવારનો ભાગ રહેશે. કોલકાતા નાઈટ રાઈડર્સે તાજેતરમાં જ આન્દ્રે રસેલને ટીમમાંથી રિલીઝ કર્યો હતો, જેના કારણે અટકળો શરૂ થઈ હતી કે તે ઓક્શનમાં પ્રવેશ કરશે. જોકે, તેણે હવે IPLમાં ન રમવાનો નિર્ણય લીધો છે અને તે કોચિંગ સ્ટાફમાં ખાસ ભૂમિકા ભજવશે.
14 વર્ષની IPL કારકિર્દીનો અંત
રસેલે 2012માં દિલ્હી કેપિટલ્સ (તે સમયે દિલ્હી ડેરડેવિલ્સ) સાથે IPLમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે 2014થી KKR સાથે હતો. તેણે તેની IPL કારકિર્દી દરમિયાન કુલ 140 મેચ રમી હતી અને સારું પ્રદર્શન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, તેણે 115 ઈનિંગ્સમાં 28.20ની એવરેજ અને 174.17ની સ્ટ્રાઇક રેટ સાથે 2651 રન બનાવ્યા હતા. તેણે બોલિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, તેણે 121 ઈનિંગ્સમાં 123 વિકેટ લીધી હતી. તેની છેલ્લી IPL સિઝનમાં, તેણે 10 ઈનિંગ્સમાં 167 રન બનાવ્યા અને 8 વિકેટ લીધી હતી.
રસેલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી. તેણે લખ્યું, "મારા IPL બૂટ્સ છોડી રહ્યો છું... પણ સ્વેગર નહીં. IPLની સફર અદ્ભુત શાનદાર રહી છે. 12 સિઝનની યાદો અને KKR પરિવાર તરફથી ઘણો પ્રેમ. હું વિશ્વભરની અન્ય લીગમાં છગ્ગા ફટકારવાનું અને વિકેટ લેવાનું ચાલુ રાખીશ. અને સૌથી સારી વાત? હું ઘર નથી છોડી રહ્યો... તમે મને 2026થી KKR સપોર્ટ સ્ટાફમાં પાવર કોચ તરીકે નવી ભૂમિકામાં જોશો. એક નવો અધ્યાય. એ જ ઉર્જા. કાયમ માટે નાઈટ."
બે વખત ચેમ્પિયન બન્યો
આન્દ્રે રસેલે તેની કારકિર્દી દરમિયાન બે વાર IPLનું જીત્યું છે. તે 2014 અને 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સની ટાઈટલ વિજેતા ટીમનો ભાગ હતો. તેણે 2015 અને 2019માં બે વાર IPL MVP એવોર્ડ પણ જીત્યો હતો. જોકે, તાજેતરની સિઝનમાં તેના પ્રદર્શનમાં ઘટાડો થયો હતો, જેના કારણે ટીમે તેને રિટેન નહતો કર્યો.

