IPL 2026 / KKR બાદ રાજસ્થાન રોયલ્સને પણ મળ્યો નવો હેડ કોચ, આ ભૂતપૂર્વ ખેલાડી લેશે રાહુલ દ્રવિડની જગ્યા

IPL 2026 માટે દરેક ટીમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 15 નવેમ્બરના રોજ તમામ ટીમે તેમના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. હવે 16 ડિસેમ્બરના રોજ ખેલાડીઓનું મિની ઓક્શન યોજાશે તે પહેલા અમુક ટીમો તેમના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર કરી રહી છે. થોડા દિવસ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ અભિષેક નાયરને તેના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો અને હવે રાજસ્થાન રોયલ્સ (RR) એ પણ તેના નવા હેડ કોચની જાહેરાત કરી છે, શ્રીલંકાનો ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન કુમાર સંગાકારામાં RRમાં આ મોટી જવાબદારી સંભાળશે. RRએ IPL 2025 પહેલા સંગાકારાને ફ્રેન્ચાઈઝીના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યો હતો. સંગાકારા હવે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે અને ટીમને બીજું IPL ટાઈટલ જીતાડવાનો પ્રયાસ કરશે.
કુમાર સંગાકારાએ અગાઉ પણ RRના હેડ કોચ તરીકે સેવા આપી છે
48 વર્ષીય સંગાકારાએ અગાઉ 2021થી 2024 સુધી RRમાં હેડ કોચ તરીકે સેવા આપી હતી અને દ્રવિડને 2025ની એડિશન માટે હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, ટુર્નામેન્ટની ગઈ એડિશનના સમાપન પછી, દ્રવિડે હેડ કોચ તરીકે રાજીનામું આપ્યું હતું. દ્રવિડના નેતૃત્વ હેઠળ, રાજસ્થાન રોયલ્સ IPL 2025માં પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહ્યું હતું. ટીમે તેની 14 મેચમાંથી ફક્ત ચાર જ જીતી હતી.
હેડ કોચ બન્યા પછી કુમાર સંગાકારાએ શું કહ્યું?
હેડ કોચ બન્યા પછી, કુમાર સંગાકારાએ કહ્યું, "હેડ કોચ પદ પર પાછા ફરવાનો મને ગર્વ છે. હું આ ટેલેન્ટેડ ગ્રુપ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. અમારી પાસે એક મજબૂત કોચિંગ ટીમ છે. વિક્રમ, ટ્રેવર, શેન અને સિડ બધાને પોતપોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર અનુભવ છે. અમે ખેલાડીઓને શ્રેષ્ઠ રીતે તૈયાર કરીશું. અમે જાણીએ છીએ કે અમારે શું કરવાની જરૂર છે. અમે એક મજબૂત ટીમ બનાવવા માંગીએ છીએ." સંગાકારાની વાત કરીએ તો, તેના નેતૃત્વ હેઠળ, ફ્રેન્ચાઈઝી 2022ની ફાઈનલમાં પહોંચી અને 2024ની સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી. રાજસ્થાન રોયલ્સ હવે આગામી IPL સીઝનમાં આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે.
રાજસ્થાન નવા કેપ્ટનની શોધમાં
સંજુ સેમસનના ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં ગયા પછી, રાજસ્થાન રોયલ્સ હવે નવા કેપ્ટનની શોધમાં છે. કુમાર સંગાકારા સામે નવા કેપ્ટન શોધવાનો સૌથી મોટો પડકાર રહેશે. ટીમમાં યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓ છે, જ્યારે રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં જોડાયો છે. પરંતુ ફ્રેન્ચાઈઝી કયા ખેલાડી પર વિશ્વાસ કરશે તે જોવાનું રહેશે.

