IPL 2026 ઓક્શન પહેલા LSGએ લીધો મોટો નિર્ણય, આ અનુભવી ખેલાડીને ટીમમાં સામેલ કર્યો

2026માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી એડિશન પહેલા બધી ટીમો તેમના બાકીના સ્થાનો ભરવા માટે ઓક્શનમાં ખેલાડીઓ ખરીદશે. રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ હરાજી પહેલા તેની ટીમમાં એક અનુભવી ખેલાડીનો ઉમેરો કર્યો છે. જોકે, આ ખેલાડીને સ્કવોડમાં સામેલ નથી કરવામાં આવ્યો, પરંતુ તેની નિમણૂક કોચિંગ સ્ટાફમાં થઈ છે. LSG એ કાર્લ ક્રોને સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે.
LSGએ મંગળવારે પોસ્ટ કર્યું કે કાર્લ ડેનિયલ ક્રો આગામી IPL સીઝન માટે સ્પિન બોલિંગ કોચ રહેશે. તે અગાઉ KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ) નો સ્પિન બોલિંગ કોચ હતો, તેના કોચિંગ હેઠળ વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે સારું પ્રદર્શન કર્યું હતું.
ઈંગ્લેન્ડના કાર્લ ક્રોની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો, તે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમ્યો. પરંતુ તેણે 42 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 60 વિકેટ અને 40 લિસ્ટ A મેચોમાં 33 વિકેટ લીધી છે. તેણે એક T20 મેચ પણ રમી હતી, જોકે તે મેચમાં તેણે બોલિંગ નહતી કરી અને બેટથી 9 રન બનાવ્યા હતા.
આજે કાર્લ ક્રોનો 50મો જન્મદિવસ છે
ઘણા દિવસોથી એવી ચર્ચા થઈ રહી હતી કે કાર્લ ક્રો LSGના સ્પિન બોલિંગ કોચ બનશે, પરંતુ મંગળવારે તેના 50મા જન્મદિવસ પર એક પોસ્ટ સાથે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
LSGનો કોચિંગ વિભાગ
- ક્રિકેટ ડિરેક્ટર - ટોમ મૂડી
- સ્ટ્રેટેજિક એડવાઈઝર - કેન વિલિયમસન
- કોચ - જસ્ટિન લેંગર
- આસિસ્ટન્ટ કોચ - લાન્સ ક્લુઝનર
- બોલિંગ કોચ - ભરત અરુણ
- સ્પિન બોલિંગ કોચ - કાર્લ ક્રો
LSGએ ઓક્શનમાં 6 ખેલાડીઓ ખરીદવા પડશે
LSGએ IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી રિષભ પંત (27 કરોડ રૂપિયા) સહિત 19 ખેલાડીઓને રિટેન અને ટ્રેડ કર્યા છે. IPL 2026ના ઓક્શનમાં LSG વધુમાં વધુ છ ખેલાડીઓ ખરીદી શકે છે, જેમાં ટીમમાં ચાર વિદેશી ખેલાડીઓના સ્થાન ખાલી છે. આ ખેલાડીઓને ખરીદવા માટે LSG પાસે 22.95 કરોડ રૂપિયા બાકી છે.

