અગ્નિપરીક્ષામાંથી પસાર થશે ગૌતમ ગંભીરનો કાર્યકાળ, કરવો પડશે 5 ICC ટૂર્નામેન્ટના પડકારનો સામનો
હાલ ભારત ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સીરિઝ રમી રહ્યું છે. આ પછી, ભારતનો આગામી પ્રવાસ

હાલ ભારત ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સીરિઝ રમી રહ્યું છે. આ પછી, ભારતનો આગામી પ્રવાસ શ્રીલંકાનો છે, જ્યાં ભારત શ્રીલંકા સામે 3 T20 અને 3 ODI મેચ રમશે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ અહીંથી શરૂ થશે. જે વર્ષ 2027 સુધી ચાલશે. તેમના કાર્યકાળ દરમિયાન, ભારત પાંચ ICC ટ્રોફીમાં ભાગ લેશે, જે ગૌતમ ગંભીર માટે અગ્નિપરીક્ષા સાબિત થવાની છે.
શું છે ગૌતમ ગંભીરનો પડકાર?
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ગૌતમ ગંભીર પાસે નવી યુવા ટીમ ઈન્ડિયાને તૈયાર કરવાનો પડકાર હશે. ઘણા સિનિયર ખેલાડીઓ ક્રિકેટના કેટલાક ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. જે પછી તેણે પ્લેઈંગ ઈલેવન માટે નવી રણનીતિ બનાવવી પડશે, જેથી ભારત આગામી આઈસીસી ટ્રોફીમાં જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય.
2025થી 2027 સુધી 5 ICC ટ્રોફી
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025
ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમની પહેલી ICC ઇવેન્ટ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી હશે, જેનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025
ભારત 2021 અને 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયું. ભારત જૂન 2025માં લોર્ડ્સમાં WTC ફાઇનલ રમે તેવી સંભાવના છે અને ગંભીર પાસે દેશને તેના પહેલા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલ તરફ દોરી જવાનો મોટો પડકાર હશે.
T20 વર્લ્ડ કપ 2026
શ્રીલંકા ICC T20 વર્લ્ડ કપની યજમાની કરશે, જ્યારે ભારત ટૂર્નામેન્ટની સહ-યજમાની કરશે. આ ટૂર્નામેન્ટમાં ભારત લગભગ બે દાયકામાં પહેલી વખત રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર કોઈ મોટી ઈવેન્ટમાં રમશે. યુવા ટીમ ઘરની ધરતી પર ખિતાબનો બચાવ કરી રહી હશે. આ ટૂર્નામેન્ટ ગૌતમ ગંભીરના કાર્યકાળમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે.
ICC વર્લ્ડ કપ 2027
ICC વર્લ્ડ કપ 2023માં ખિતાબ જીતવાથી ચૂકી ગયા બાદ, ગૌતમ ગંભીર 16 વર્ષ પછી ટ્રોફીને દેશમાં પરત લાવવાનો પ્રયાસ કરશે. ICC વર્લ્ડ કપ 2027ની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા કરશે. આ ટૂર્નામેન્ટ ચોક્કસપણે નક્કી કરી શકે છે કે ગંભીરનો કાર્યકાળ પૂરો થયા બાદ કોચ તરીકે કેવી રીતે જોવામાં આવશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2027
ગૌતમ ગંભીર આ ટૂર્નામેન્ટમાં ભારત માટે ટ્રોફી જીતવા માગે છે. ગૌતમ ગંભીર પણ ઈચ્છશે કે આ ટૂર્નામેન્ટ જીતીને ભારત આઈસીસીની તમામ ટૂર્નામેન્ટમાં પ્રભુત્વ મેળવે.








