દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજને બોલિંગ કોચ બનાવવા માંગે છે ગૌતમ ગંભીર, BCCIને કરી રજૂઆત
BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિયુક્તિ કરી છે પરંતુ હજુ સપોર્ટ સ

BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની નિયુક્તિ કરી છે પરંતુ હજુ સપોર્ટ સ્ટાફ નક્કી થયો નથી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચને સપોર્ટ સ્ટાફમાં જોડવા બાબતે હજુ કોઈ ચિત્ર સ્પષ્ટ થયું નથી. સપોર્ટ સ્ટાફની ચર્ચા વચ્ચે ગંભીરે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલરને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવા માંગે છે. કોચિંગની બાબતમાં તે ઘણો અનુભવી છે.
એક અહેવાલ મુજબ ગંભીરે બીસીસીઆઈને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્કેલ પર વિચાર કરવા વિનંતી કરી છે. ગંભીર ઈચ્છે છે કે મોર્કેલ ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બને. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોર્કેલ સાથે વાતચીત થઈ છે. ગંભીર અને મોર્કેલે લખનૌ સુપરજાયન્ટ્સમાં સાથે ઘણો સમય વિતાવ્યો છે. ગંભીર 2 વર્ષ લખનૌનો મેન્ટર રહી ચૂક્યો છે. જ્યારે મોર્કેલ હજુ પણ બોલિંગ કોચ છે.
પાકિસ્તાનના બોલિંગ કોચ રહી ચૂક્યા છે મોર્કેલ
જણાવી દઈએ કે મોર્કેલ પાકિસ્તાનના બોલિંગ કોચ રહી ચૂક્યા છે. મોર્કેલ 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોલિંગ કોચની ભૂમિકામાં હતો. જોકે, ટૂર્નામેન્ટ બાદ મોર્કેલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
બોલિંગ કોચ બનાવવાની રેસમાં છે આ ભારતીય ખેલાડીઓ
દક્ષિણ આફ્રિકાના મોર્કેલ ઉપરાંત ભારતીય ટીમ વતી રમી ચૂકેલા પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમારના નામની પણ ચર્ચા થઈ રહી છે. BCCI બોલિંગ કોચ માટે પણ આ ત્રણ ઉપર વિચાર કરી રહ્યું છે. જો કે, BCCI દ્વારા બોલિંગ કોચ બાબતે હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
મોર્કેલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આવી હતી
ઉલ્લેખનીય છે કે મોર્ને મોર્કેલ 2006 થી 2018 વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે. જેમાં તેણે 86 ટેસ્ટ 27.66ની એવરેજથી 309 વિકેટ લીધી હતી, જેમાં મેચમાં 9/110ની સર્વશ્રેષ્ઠ વિકેટો હતી. આ સિવાય 117 વનડે મેચમાં 25.32ની એવરેજથી 188 વિકેટ લઈ ચૂક્યો છે. તો 44 T20 ઈન્ટરનેશનલ મેચમાં 25.34ની એવરેજથી 47 વિકેટ લીધી છે.








