નીતિશ રેડ્ડીને ક્રિકેટર બનાવવા પિતાએ ‘સરકારી નોકરી’નું બલિદાન આપ્યું, પુત્રએ IPL-2024માં કર્યું દમદાર પ્રદર્શન
મંગળવારે (09 એપ્રિલ) IPL 2024માં પંજાબ કિંગ્સ

મંગળવારે (09 એપ્રિલ) IPL 2024માં પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવામાં નીતિશ રેડ્ડીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે પહેલા બેટથી જોરદાર ઇનિંગ્સ રમી અને પછી બોલિંગ પણ સારી નાખી હતી. નીતીશને તેના શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ નીતીશ માટે IPL સુધી પહોંચવું ઘણું મુશ્કેલ કામ હતું.
નીતિશને ક્રિકેટર બનાવવા માટે તેમના પિતાએ તેમની સરકારી નોકરીનું બલિદાન આપ્યું હતું. ભારતમાં જ્યાં લોકો સરકારી નોકરી મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે, ત્યાં નીતિશના પિતાએ તેમના પુત્રની ક્રિકેટ કારકિર્દી ખાતર તેમની સરકારી નોકરી છોડી દીધી હતી.
નીતિશના પિતાની બદલી ઉદયપુર થઈ ગઈ હતી, પરંતુ ત્યાં રમતગમતમાં રાજનીતિ જોયા પછી તેઓ ડરી ગયા અને તેમના પુત્રની કારકિર્દી માટે નોકરી છોડી દીધી. ઉદયપુરથી આંધ્રપ્રદેશ પરત ફર્યા હતા. નીતિશ આંધ્ર પ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે છે. આ ઘટના ત્યારે બની જ્યારે નીતિશ લગભગ 12 કે 13 વર્ષના હતા. નીતિશ આજે IPLમાં જે કંઈ કમાલ કરી રહ્યા છે, તેમાં તેમના પિતાનો પણ મોટો ફાળો છે.
હૈદરાબાદને નવું જીવન આપ્યું
નોંધનીય છે કે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવ્યું હતું, પરંતુ ટીમને શરૂઆતમાં જ આંચકો લાગ્યો હતો. ટીમે 39 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી, જે પછી નીતિશ રેડ્ડી ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા. નીતિશે શાનદાર ઇનિંગ રમી અને 37 બોલમાં 4 ફોર અને 5 સિક્સરની મદદથી 64 રન બનાવ્યા. તેની ઇનિંગને કારણે હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા, જે ટીમની જીત માટે પૂરતા હતા.
જો કે પંજાબ ટાર્ગેટનો પીછો કરતી વખતે ખૂબ જ નજીક આવી ગયું હતું, પરંતુ અંતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ આ મેચ માત્ર 2 રનથી હારી ગયું હતું.








