INDVsENG: ઇંગ્લેન્ડનો ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય, આ બે ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યુ; વિરાટ બહાર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝનો પ્રારંભ થયો છે. નાગપુરમાં પ્રથમ વન ડ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝનો પ્રારંભ થયો છે. નાગપુરમાં પ્રથમ વન ડે મેચમાં ઇંગ્લેન્ડે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી બે ખેલાડીઓએ વન ડેમાં ડેબ્યૂ કર્યું છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાએ વન ડેમાં ડેબ્યૂ કર્યું છે.
યશસ્વી-હર્ષિતનું ડેબ્યૂ, વિરાટ બહાર
ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને નાગપુર મેચ દરમિયાન વન ડે ડેબ્યૂ કરવાની તક મળી છે. ગૌતમ ગંભીરે યશસ્વી જયસ્વાલને જ્યારે મોહમ્મદ શમીએ હર્ષિત રાણાને કેપ આપી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઘૂંટણમાં ઇજાને કારણે આ મેચમાં નહીં રમે. વિરાટ કોહલીએ પોતાના ઘૂંટણ પર પટ્ટી બાંધેલી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડે ભારતમાં અંતિમ વન ડે સિરીઝ 40 વર્ષ પહેલા જીતી હતી. હવે ટીમ ઇન્ડિયા પર 4 દાયકાથી ચાલતા આ રેકોર્ડને યથાવત રાખવાની જવાબદારી હશે. ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ભારતમાં અંતિમ વન ડે સિરીઝ 1984-85માં જીતી હતી. આ સિરીઝમાં કૂલ 5 વન ડે મેચ રમાઇ હતી જેમાં ઇંગ્લેન્ડે 4-1થી જીત મેળવી હતી.
ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ વન ડેમાં હેડ ટૂ હેડ
અત્યાર સુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કૂલ 107 વન ડે મેચ રમાઇ છે. આ મેચમાં ભારતે 58 જીત મેળવી છે જ્યારે ઇંગ્લેન્ડે 44 મેચ પોતાના નામે કરી છે. બન્ને વચ્ચે 3 મેચમાં કોઇ પરિણામ આવી શક્યું નથી અને 2 વન ડે મેચ ટાઇ થઇ છે.
અત્યાર સુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કૂલ 20 વન ડે સિરીઝ રમાઇ છે. ટીમ ઇન્ડિયાએ 20માંથી 11 સિરીઝમાં જીત મેળવી છે જ્યારે ઇંગ્લેન્ડે 7 સિરીઝ પોતાના નામે કરી છે. 2 સિરીઝ ડ્રો થઇ છે.
ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ વન ડે સિરીઝ
મહત્ત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી વન ડે સિરીઝ ટીમ ઇન્ડિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ફોર્મેટની અંતિમ સિરીઝ હશે. આ સિરીઝની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થશે. સિરીઝની બીજી મેચ 9 ફેબ્રુઆરીથી અને ત્રીજી મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે.
ભારત 15 મહિના પછી ઘરઆંગણે વન ડે રમશે
ભારતીય ટીમ 15 મહિના પછી ઘરઆંગણે વન ડે રમવા ઉતરશે. ભારત છેલ્લે 2023માં વન ડે વર્લ્ડકપની ફાઇનલ રમ્યું હતું. તે મેચ 19મી નવેમ્બરે અમદાવાદમાં રમાઇ હતી. જે પછી આ 16 મહિનામાં ભારત છ વન ડે જ રમ્યું હતું અને તેમાંથી ત્રણ સાઉથ આફ્રિકામાં અને ત્રણ શ્રીલંકાની ભૂમિ પરની હતી. ભારતીય ટીમ છેલ્લે 7 ઓગસ્ટે શ્રીલંકા સામે કોલંબોમાં વન ડે રમ્યું હતું. હવે તેઓ પાંચ મહિનાના અંતરાલ બાદ વન ડે રમશે.
ભારતની પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, શુભમન ગિલ, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટ કીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, સાકિબ મહમૂદ








