VIDEO: દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને સંન્યાસનું કર્યું એલાન, ડેબ્યૂ સ્ટેડિયમમાં જ અંતિમ ટેસ્ટ મેચ રમશે
ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું છે.

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું છે. એન્ડરસને તેની અંતિમ ટેસ્ટ મેચ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે લોર્ડ્સમાં રમશે. આ ટેસ્ટ મેચ 10-14 જુલાઈ વચ્ચે રમાશે.
જેમ્સ એન્ડરસને સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, 'લોર્ડ્સમાં આ ઉનાળાની પ્રથમ ટેસ્ટ મેચ મારી છેલ્લી ટેસ્ટ હશે. 20 વર્ષથી દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે અવિશ્વસનીય રહ્યું છે. હું નાનપણથી મને ગમતી રમત રમી રહ્યો છું. હું ઇંગ્લેન્ડ માટે ક્રિકેટ રમવાનું મિસ કરીશ. પરંતુ હું જાણું છું કે ટીમને અલવિદા કહેવા અને યુવા ખેલાડીઓને તક આપવાનો આ યોગ્ય સમય છે.'
એન્ડરસને 2003માં લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું
41 વર્ષીય એન્ડરસને 2003માં લોર્ડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે 187 ટેસ્ટ મેચમાં 700 વિકેટ લીધી છે. એન્ડરસન 700 ટેસ્ટ વિકેટની એવરેસ્ટ સર કરનાર પ્રથમ ઝડપી બોલર છે. એન્ડરસને આ વર્ષે ભારત સામેની ધર્મશાલા ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવને આઉટ કરીને 700 વિકેટ પૂરી કરી હતી.
જેમ્સ એન્ડરસનના રેકોર્ડ પર એક નજર
જેમ્સ એન્ડરસને ઈંગ્લેન્ડ માટે 194 વનડે મેચમાં 29.22ની સરેરાશથી 269 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 23 રન આપીને 5 વિકેટ રહ્યું છે. જેમ્સ એન્ડરસને અત્યાર સુધી 187 ટેસ્ટ મેચમાં 26.53 ની બોલિંગ સરેરાશથી 700 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 42 રન આપીને 7 વિકેટ રહ્યું છે. ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જેમ્સ એન્ડરસને 19 મેચમાં 30.67ની બોલિંગ સરેરાશથી 18 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 23 રન આપીને 3 વિકેટ રહ્યું છે.








