મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

બાર્બાડોસમાં આવેલા વાવાઝોડામાં ફંસાઈ ટીમ ઈન્ડિયા, હોટલમાં રહેવા મજબૂર ખેલાડીઓ, આ દિવસે આવશે ઈન્ડિયા પાછા

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને T20 વર્લ્ડ કપ 2

બાર્બાડોસમાં આવેલા વાવાઝોડામાં ફંસાઈ ટીમ ઈન્ડિયા, હોટલમાં રહેવા મજબૂર ખેલાડીઓ, આ દિવસે આવશે ઈન્ડિયા પાછા

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી. આ સાથે જ ભારતનો છેલ્લા 17 વર્ષથી ટી20 વર્લ્ડ કપ જીતવાનો દુષ્કાળ પણ ખતમ થઈ ગયો. ટીમ ભારત આવવાની હતી, પરંતુ બાર્બાડોસમાં આવેલા હરિકેન બેરીલને કારણે ટીમ હોટલમાં અટવાઈ ગઈ છે. તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, અમારે રાહ જોવી પડશે. આ દરમિયાન હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં સ્વદેશ પરત ફરવા માટે ફ્લાઈટમાં બેસી શકે છે.

આ દિવસે પાછા આવશે!

ભારતીય ટીમ સ્થાનિક સમય મુજબ મંગળવારે સાંજે ઘરે આવી શકે છે. ત્યાંની પરિસ્થિતિ અંગે અપડેટ આપતાં બાર્બાડોસના પીએમ મિયા મોટલીએ કહ્યું કે, તેમને આશા છે કે હરિકેન બેરીલને કારણે બંધ કરાયેલું અહીંનું એરપોર્ટ આગામી 6થી 12 કલાકમાં કાર્યરત થઈ જશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ, સપોર્ટ સ્ટાફ, બીસીસીઆઈના કેટલાક અધિકારીઓ અને ખેલાડીઓના પરિવારો વાવાઝોડા બેરીલના કારણે છેલ્લા બે દિવસથી હોટલમાં અટવાયેલા છે.

બાર્બાડોસ PMએ નિવેદન આપ્યું

બાર્બાડોસ PMએ કહ્યું, 'અમને આશા છે અને અમે તેના માટે કામ કરી રહ્યા છીએ. અમારી પાસે અગાઉથી કહેવા માટે કંઈ નથી, પરંતુ હું એરપોર્ટના કર્મચારીઓના સંપર્કમાં છું અને તેઓ હવે તેમની અંતિમ તપાસ કરી રહ્યા છે. અમે ટૂંક સમયમાં બધું સામાન્ય કરી દઈશું. એવા ઘણા લોકો છે જેમને ગઈકાલે મોડી રાત્રે અથવા આજે અથવા કાલે સવારે જવાનું હતું. અમે ખાતરી કરવા માગીએ છીએ કે અમે તે લોકોને સુવિધા આપી શકીએ. તેથી, મને આશા છે કે, આગામી 6થી 12 કલાકમાં એરપોર્ટ ખુલી જશે.

ટીમ ચાર્ટર પ્લેનમાં આવશે

બીસીસીઆઈ સચિવ જય શાહે એક નિવેદનમાં કહ્યું, 'અમે અહીં ફંસાઈ ગયા છીએ. પહેલા અમારે એ જોવાનું છે કે, ખેલાડીઓ અને બીજા બધાને અહીંથી સુરક્ષિત કેવી રીતે બહાર કાઢવામાં આવે અને પછી ભારત પહોંચ્યા બાદ અમે સ્વાગત કાર્યક્રમ વિશે વિચારીશું. જય શાહ અને બોર્ડના અન્ય અધિકારીઓ સાથેની ટીમ ચાર્ટર પ્લેન દ્વારા ભારત જવા રવાના થવાની હતી, પરંતુ અહીંનું એરપોર્ટ બંધ હોવાથી તે શક્ય બન્યું ન હતું. બીસીસીઆઈ વર્લ્ડકપના કવરેજ માટે આવેલા ભારતીય મીડિયાકર્મીને પણ તોફાન પ્રભાવિત વિસ્તારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાહે કહ્યું, 'અમે સોમવાર માટે ચાર્ટર પ્લેન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ એરપોર્ટ બંધ થવાને કારણે તે થઈ શક્યું નહીં.'

હરિકેન બેરિલને કારણે બધું બંધ કરી દેવાયું

હરિકેન બેરિલ બાર્બાડોસમાં ત્રાટક્યા પછી, ત્યાં બધું બંધ થઈ ગયું. રવિવારે મોડી રાત્રે લગભગ 130 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે દરેકને અસર થઈ હતી. આ કેટેગરી 4 વાવાઝોડું બાર્બાડોસથી લગભગ 570 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું. જેના કારણે ફ્લાઈટ્સ પણ કેન્સલ કરવી પડી હતી. જોકે, હવે બાર્બાડોસના વડાપ્રધાને આશા વ્યક્ત કરી છે કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે.

ભારતે 13 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં, દક્ષિણ આફ્રિકાને એક રોમાંચક મેચમાં 7 રનના નજીકના માર્જિનથી હરાવ્યું અને 13 વર્ષ પછી ICC ટ્રોફી ઉપાડી. ભારત, જેણે 2013થી કોઈપણ ICC ઇવેન્ટ જીતી ન હતી, તે T20 વર્લ્ડ કપ 2024માં અજેય રહીને ટ્રોફી જીતી હતી. આ જીત બાદ ભારતમાં દિવાળી જેવી ઉજવણી કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો