IPL 2024 / દિનેશ કાર્તિકે ફટકારી આ સિઝનની સૌથી લાંબી સિક્સ, VIDEOમાં જુઓ શાનદાર શોટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સિઝનની 30મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સિઝનની 30મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં IPL ઈતિહાસના ઘણા જૂના રેકોર્ડ તૂટ્યા હતા. આ સાથે જ આ સિઝનની સૌથી લાંબી સિક્સનો રેકોર્ડ માત્ર બે કલાકમાં જ તૂટી ગયો હતો. મેચમાં દિનેશ કાર્તિકની ધમાકેદાર ઈનિંગ જોવા મળી હતી, તેણે માત્ર 35 બોલમાં 83 રન કર્યા હતા, જેમાં તેણે સાત છગ્ગા ફટકાર્યા હતા. આ સાતમાંથી એક છગ્ગો આ સિઝનનો સૌથી લાંબો છગ્ગો હતો.
કાર્તિકના બેટમાંથી નિકળ્યો ગગનચુંબી છગ્ગો
RCB ટીમની ઈનિંગ દરમિયાન, દિનેશ કાર્તિકે 16મી ઓવરમાં ટી. નટરાજન સામે પેડ્સની લાઈનમાં ફેંકેલા બોલને ફ્લિક કરીને ડીપ ફાઈન લેગ બાઉન્ડ્રી તરફ ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો. આ છગ્ગો 108 મીટર લાંબો હતો. જે હવે IPL 2024નો સૌથી લાંબો છગ્ગો પણ બની ગયો છે. આ મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની ઈનિંગ દરમિયાન, હેનરિક ક્લાસેનના બેટમાંથી 106 મીટર લાંબો છગ્ગો પણ જોવા મળ્યો હતો, જે IPL 2024નો સંયુક્ત રીતે સૌથી લાંબો છગ્ગો હતો, જો કે કાર્તિકે બે જ કલાકમાં જ આ રેકોર્ડ તોડી નાખ્યો હતો. કાર્તિક આ સિઝનમાં સૌથી લાંબી સિક્સ મારનાર ખેલાડી બની ગયો છે. દિનેશ કાર્તિકે આ મેચમાં માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, પરંતુ તે પોતાની ઈનિંગથી ટીમને જીત અપાવવામાં સફળ થઈ શક્યો નહોતો.
સૌથી વધુ રન બનાવવાના મામલે કાર્તિક 10મા સ્થાને પહોંચ્યો
IPL 2024માં દિનેશ કાર્તિકનું અત્યાર સુધી શાનદાર ફોર્મ જોવા મળ્યું છે, જેમાં તે સતત પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કરી રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રમાયેલી તેની ઈનિંગ્સના આધારે કાર્તિક આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટરની યાદીમાં 10મા સ્થાને પહોંચી ગયો છે. કાર્તિકે અત્યાર સુધી 6 ઈનિંગ્સમાં 75.33ની એવરેજથી 226 રન બનાવ્યા છે, જેમાં તેની સ્ટ્રાઈક રેટ 205.45ની જોવા મળી છે. આ સિઝનમાં અત્યાર સુધી કાર્તિકના બેટમાંથી 16 ચોગ્ગા અને 18 છગ્ગા જોવા મળ્યા છે.








