ડી વિલિયર્સ સહિત આ ત્રણ ક્રિકેટરોની ICC હોલ ઑફ ફેમમાં એન્ટ્રી, ભારતીય ખેલાડીને પણ મળ્યું સ્થાન
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક, દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સ અને ભૂતપૂર્વ

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક, દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સ અને ભૂતપૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર નીતુ ડેવિડને ICC હોલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ICC હોલ ઓફ ફેમની શરૂઆત 2009માં ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓના સન્માન માટે કરવામાં આવી હતી. ભારતના ઘણા ખેલાડી ICC હોલ ઑફ ફેમમાં સામેલ છે. જેમાં સચિન તેડુંલકર, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સહેવાગ અને ડાયના એડુલજીનો સમાવેશ થાય છે.
નીતુ ડેવિડ
નીતુ ડેવિડ ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનારી બીજી ભારતીય મહિલા ખેલાડી બની છે. અગાઉ આ સન્માન ડાયના એડુલજીને આપવામાં આવ્યું હતું. ડેવિડ વન-ડે ક્રિકેટમાં 100 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. તેના નામે ટેસ્ટ મેચની એક ઇનિંગમાં 8 વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે.
એલિસ્ટર કૂક
ઈંગ્લેન્ડના સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેનોમાંના એલિસ્ટર કૂકની ગણના થાય છે. કૂકે કારકિર્દી દરમિયાન 12,472 ટેસ્ટ રન બનાવ્યા હતા. તેની યાદગાર ઇનિંગ્સમાં 2010-11ની એશિઝ શ્રેણીનો સમાવેશ થાય છે, જ્યાં તેણે 766 રન બનાવ્યા હતા અને 24 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં ઇંગ્લેન્ડને જીત અપાવી હતી. કૂકની કપ્તાની હેઠળ ઇંગ્લેન્ડે 2012માં ભારતમાં શ્રેણી જીતી હતી.
એબી ડી વિલિયર્સ
એબી ડી વિલિયર્સની ગણના વિસ્ફોટક ખેલાડીમાં થાય છે. વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 50, 100 અને 150 રન બનાવવાનો રેકોર્ડ તેના નામે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,014 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 2010માં પાકિસ્તાન સામે 278* રન છે.








