VIDEO: એક ઓવરમાં 39 રન..., T20માં 6 સિક્સર ફટકારી તોડ્યો યુવરાજનો રેકોર્ડ
T20 ક્રિકેટમાં મંગળવાર (20 ઓગસ્ટ) ખૂબ જ ખાસ દિવસ રહ્યો છે. આ દિવસે, સમોઆની રાજધાની અપિયામાં એક શાનદાર

T20 ક્રિકેટમાં મંગળવાર (20 ઓગસ્ટ) ખૂબ જ ખાસ દિવસ રહ્યો છે. આ દિવસે, સમોઆની રાજધાની અપિયામાં એક શાનદાર T20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી, જેમાં સિક્સર કિંગ તરીકે ઓળખાતા યુવરાજ સિંહ સહિતનાના ઘણા રેકોર્ડ્સ તૂટ્યા હતા. આ મેચમાં સમોઆ અને વનુઆતુની ટીમો સામસામે આવી હતી. આ મેચ ICC મેન્સ T20 વર્લ્ડ કપ સબ રિજનલ ઈસ્ટ એશિયા-પેસિફિક ક્વોલિફાયર A હેઠળ રમાઈ હતી. આ T20 ઈન્ટરનેશનલ મેચમાં સમોઆએ 10 રને જીત મેળવી હતી.
ડેરિયસે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી
આ મેચમાં સમોઆના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેરિયસ વિસેરે 212.90ની સ્ટ્રાઈક રેટ સાથે 62 બોલમાં 132 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં 14 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. આ ઇનિંગમાં એક ખાસ રેકોર્ડ બન્યો હતો.માત્ર ત્રીજી ટી20 મેચ રમતા 28 વર્ષના ડેરિયસે એક જ ઓવરમાં 39 રન ફટકારીને યુવરાજ સહિત તમામ ખેલાડીઓના રેકોર્ડને તોડી નાખ્યા છે.
ડેરિયસે સમોઆની ઇનિંગની 15મી ઓવરમાં 39 રન ઝૂડી નાંખતા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. આ ઓવર વનુઆતુના નલિન નિપિકોએ કરી હતી. આ ઓવરમાં બોલરે 3નો બોલ પણ નાખ્યા. ડેરિયસે આ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. પરંતુ ચોથો અને પાંચમો ડોટ બોલ રમ્યો હતો. આ પહેલા પાંચ વખત બોલરે એક ઓવરમાં 36 રન આપ્યા હતા. આ બોલરોમાં સ્ટુઅર્ટ બ્રોડ (2007), અકિલા ધનંજય (2021), કરીમ જન્નત (2024), કામરાન ખાન (2024) અને અઝમતુલ્લા ઓમરઝાઈ (2024)નો સમાવેશ થાય છે.
1 ઓવરમાં બન્યા 39 રન
પ્રથમ બોલ: સિક્સર
બીજો બોલ: સિક્સર
ત્રીજો બોલ: સિક્સર
ચોથો બોલ: નો બોલથી એક રન મળ્યો
ચોથો બોલ: સિક્સર
પાંચમો બોલ: ડેરિયસ કોઈ રન ન બનાવી શક્યો
છઠ્ઠો બોલ: નો બોલનો એક રન મળ્યો
છઠ્ઠો બોલ: નો બોલ પર સિક્સ ફટકારી
છઠ્ઠો બોલ: સિક્સર
એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તૂટ્યો
હવે ઈન્ટરનેશનલ સિવાય ઓવરઓલ T20માં એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ડેરિયસ ઓવરઓલ T20માં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. અગાઉ, ઓવરઓલ T20 ક્રિકેટમાં આ રેકોર્ડ 38 રનનો હતો, જે 24 જુલાઈ 2012ના રોજ સસેક્સ અને ગ્લોસ્ટરશાયર વચ્ચેની મેચમાં બન્યો હતો.
અગાઉ ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં માત્ર 36 રન જ બનતા હતા. આ સિદ્ધિ યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપમાં, 2021માં કિરોન પોલાર્ડ, 2024માં નિકોલસ પૂરન, દીપેન્દ્ર સિંહ એરે અને રોહિત શર્મા ઉપરાંત રિંકુ સિંહે હાંસલ કરી હતી. પરંતુ હવે આ તમામ રેકોર્ડનો ઢગલો થઈ ગયો છે.
જણાવી દઈએ કે, પોતાના કરિયરની માત્ર ત્રીજી મેચ રમતા ડેરિયસે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. ડેરિયસની બેજોડ ઇનિંગ્સના કારણે સમોઆએ મેચમાં 174 રન બનાવ્યા હતા. વિસર આ ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ સામોન બેટ્સમેન બન્યો છે.








