IND vs SA / કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસે 3 સિદ્ધિ હાંસલ કરવાની તક, T20I સિરીઝમાં કરી શકે છે કમાલ
ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર મેદાન પર ધૂમ મચાવશે. સાઉથ આફ્રિકા સામ

ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર મેદાન પર ધૂમ મચાવશે. સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝ દરમિયાન, ભારતીય કેપ્ટન પાસે ઘણી સિદ્ધિ હાંસલ કરવાની તક હશે. મંગળવારથી શરૂ થતી T20I સિરીઝમાં સૂર્યકુમાર યાદવ એક પછી એક ત્રણ મોટા રેકોર્ડ હાંસલ કરી શકે છે. સૂર્યકુમાર યાદવ પાસે T20Iમાં 3,000 રન પૂરા કરવાની તક છે. તે રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી આવું કરનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બનશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચ મેચની T20I સિરીઝની પહેલી મેચ મંગળવારે કટકમાં રમાશે.
ભારતના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને T20 ઈન્ટરનેશનલમાં 3,000 રન પૂરા કરવા માટે 246 રનની જરૂર છે. જો તે આ સિદ્ધિ હાંસલ કરે છે, તો તે રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી T20 ઈન્ટરનેશનલમાં 3,000 કે તેથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બનશે. સૂર્યકુમાર યાદવ પાસે T20 ક્રિકેટમાં પણ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે. તે 9000 રન પૂરા કરવાથી માત્ર 59 રન દૂર છે.
જો સૂર્યકુમાર યાદવ પહેલી મેચમાં 59 રન બનાવી લે છે, તો તે 9000 T20 રન પૂરા કરનાર ચોથો ભારતીય બેટ્સમેન બનશે, તે વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન જેવા દિગ્ગજો સાથે જોડાશે. સૂર્યા રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં મોટા શોટ્સ ફટકારવા માટે પણ પ્રખ્યાત છે. તેણે T20 ક્રિકેટમાં 394 છગ્ગા ફટકાર્યા છે અને 400 છગ્ગા સુધી પહોંચવા માટે ફક્ત છ છગ્ગાની જરૂર છે.
મેચ પહેલા ભગવાનના આશીર્વાદ લીધા
કટકના બારાબતી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20I મેચ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સહિત ચાર સભ્યોએ મંગળવારે શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. સૂર્યાએ તેની પત્ની દેવીશા શેટ્ટી સાથે,કડક સુરક્ષા વચ્ચે 12મી સદીના મંદિરમાં પ્રવેશ કર્યો હતો.






