ICC T20 રેન્કિંગમાં મોટો ઉલટફેર: અભિષેક શર્માની બાદશાહી ખતમ, આ ખેલાડીબન્યો નવો નંબર-1 બેટ્સમેન!
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે પુરુષ ટી

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે પુરુષ ટી20 (T20) ખેલાડીઓની તાજી રેન્કિંગ જાહેર કરી છે, જેમાં બેટ્સમેનોની યાદીમાં મોટો ઉલટફેર થયો છે. ભારતનો વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન નવો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. તેણે એક સ્થાનની છલાંગ લગાવીને પોતાના જ સાથી ખેલાડી અભિષેક શર્મા પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો છે. ઇશાનના ખાતામાં હાલમાં 876 રેટિંગ પોઇન્ટ્સ છે, જ્યારે અભિષેક 869 પોઇન્ટ્સ સાથે બીજા ક્રમે સરકી ગયો છે. ભારતીય ઓપનર અભિષેક શર્મા લગભગ 12 મહિનાથી ટોપ પર હતો, પરંતુ ઇશાને માત્ર 6 મહિનાની અંદર જ તેનું સિંહાસન હલાવી દીધું છે.
ઇશાન કિશને કમબેક સાથે મચાવી ધૂમ
વાસ્તવમાં ઇશાન કિશન બે વર્ષ સુધી ભારતીય ટીમથી બહાર રહ્યા બાદ આ વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો હતો. તેણે છેલ્લા કેટલાક મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ તાજેતરમાં જ આયર્લેન્ડ પ્રવાસ પર તે કંઈ ખાસ કમાલ નહોતો કરી શક્યો. તેના બેટમાંથી ત્યાં 1 અને 12 રનનો સ્કોર નીકળ્યો હતો. બીજી તરફ અભિષેક શર્માએ આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં 49 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બીજી મેચમાં તે ગોલ્ડન ડક (ઝીરો રન) નો શિકાર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતને આ સિરીઝમાં 0-2થી ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો હતો.
ખાસ ક્લબમાં સામેલ થયો ઇશાન
ઇશાન કિશને આ સાથે જ એક ખાસ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તે T20 બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ પોઝિશન (નંબર-1) પર પહોંચનારો ભારતનો ચોથો પુરુષ ક્રિકેટર બની ગયો છે. ઇશાન અને અભિષેક સિવાય વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ જ આ પરાક્રમ કરી શક્યા છે. જોકે, સૂર્યા હવે ભારતીય ટીમથી બહાર છે અને તેની પાસેથી કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી છે.
બીજી તરફ, આયર્લેન્ડના લોરકન ટકર (ચાર સ્થાન ઉપર 77મા ક્રમે) અને રોસ અડાયર (છ સ્થાન ઉપર ૮૪મા ક્રમે) એ ભારત સામે સારું પ્રદર્શન કરીને પોતાની રેન્કિંગમાં સુધારો કર્યો છે.
બોલર્સ અને ઓલરાઉન્ડર્સની રેન્કિંગ
આયર્લેન્ડના ફાસ્ટ બોલર મેથ્યુ હમ્ફ્રીઝે (એક સ્થાન ઉપર 25મા ક્રમે) આ સિરીઝમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે T20I બોલર્સની યાદીમાં પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કર્યું છે. આ સિવાય ઓલરાઉન્ડર્સની અપડેટ થયેલી રેન્કિંગમાં ભારતનો શિવમ દુબે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને સાતમા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે આયર્લેન્ડના ગેરેથ ડેલાની (ચાર સ્થાન ઉપર 24મા ક્રમે) અને હેરી ટેક્ટર (આઠ સ્થાન ઉપર 38મા ક્રમે) પણ આગળ વધ્યા છે.








