માતા બન્યા બાદ પણ ચાલુ રહેશે કરિયર, ICCએ મહિલા ક્રિકેટર્સની વાપસી માટે બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન

ઈન્ટરનેશન ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મહિલા ખેલાડીઓ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માતા બનનારી મહિલા ક્રિકેટર્સના કરિયરનો અંત નહીં આવે. ICCએ સોમવારે ગર્ભાવસ્થા પછી મહિલા ખેલાડીઓની મેદાન પર સુરક્ષિત અને મજબૂત વાપસી માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેમાં 16 અઠવાડિયાનો એક ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
વાપસી માટે આ 6 નિયમો
ICCની આ નવી ગાઈડલાઈન મુખ્યત્વે 6 તબક્કાના ખાસ '6R' મોડલ પર આધારિત છે. આ નિયમોમાં Ready (તૈયાર થવું), Review (સમીક્ષા કરવી), Restore (રિકવરી કરવી), Recondition (ફરી ફિટનેસ મેળવવી), Return (મેદાન પર પાછા ફરવું) અને Refine (સુધારો કરવો) નો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ ખેલાડીને સીધા મેદાનમાં ઉતારવાને બદલે ધીમે-ધીમે રમવા માટે તૈયાર કરવામાં આવશે.
દરેક ખેલાડી માટે રહેશે ‘ખાસ કેસ મેનેજર’
નવી માર્ગદર્શિકા મુજબ, માતા બન્યા બાદ વાપસી કરનારી દરેક મહિલા ખેલાડી માટે એક ખાસ 'કેસ મેનેજર' ની નિમણૂક કરવામાં આવશે. આ જવાબદારી કોઈ ડોક્ટર અથવા ફિઝિયોથેરાપિસ્ટ સંભાળશે. આ મેનેજર ખેલાડીની શારીરિક રિકવરીથી લઈને મેદાન પર રમવા ઉતરવા સુધીની તમામ પ્રક્રિયાની કડક દેખરેખ રાખશે.
શરૂઆતના 8 અઠવાડિયા બાદ દોડવાની મંજૂરી મળશે
વાપસીના પ્રથમ ચરણમાં મહિલા ખેલાડીની શારીરિક અને માનસિક સ્થિતિની તપાસ થશે. ત્યારબાદ ધીમે-ધીમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે. ડિલિવરીના આશરે 8 અઠવાડિયા પછી ડોક્ટર અને ફિઝિયોની સલાહ લઈને જ ખેલાડી દોડવાનું શરૂ કરી શકશે. સ્નાયુઓ અને પેલ્વિક ફ્લોરની સંપૂર્ણ તપાસ બાદ જ તેમને રમવાની મંજૂરી અપાશે.
ગાઈડલાઈનમાં અન્ય સુવિધાઓની પણ ભલામણ
ICC મેડિકલ એડવાઈઝરી કમિટીના સભ્ય અને ઓસ્ટ્રેલિયન ટીમના ડોક્ટર ફિલિપ્પા ઈંગે દ્વારા આ નિયમો બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. આમાં મહિલા ખેલાડીઓ માટે ફ્લેક્સિબલ ટ્રેનિંગ, બાળકની સંભાળ રાખવાની સુવિધા, ફીડિંગ માટે અલગ જગ્યા અને પ્રવાસ દરમિયાન મદદ જેવી બાબતો સામેલ રાખવાની ભલામણ કરાઈ છે.
વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટરે આ નિર્ણયને આવકાર્યો
વર્ષ 2021માં પુત્રને જન્મ આપ્યા બાદ ક્રિકેટમાં કમબેક કરનારી વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટર અફી ફ્લેચરે આ પગલાને ખૂબ જ મહત્ત્વનું ગણાવ્યું છે. તેણે જણાવ્યું કે, બાળક જન્મ્યા પછી મેદાન પર પાછા ફરવું સરળ નહતું, પરંતુ આવા મજબૂત સપોર્ટ સિસ્ટમ અને ભરોસાથી ઘણી મહિલા ખેલાડીઓ ફરીથી ક્રિકેટ સાથે જોડાઈ શકશે.

