Asia Cup 2025 / હારનો બદલો લેવા માંગશે બાંગ્લાદેશ, આજે સુપર-4ની પહેલી મેચમાં શ્રીલંકા સાથે ટકરાશે

ગ્રુપ Bની બધી મેચ જીતીને શ્રીલંકા શનિવારે એશિયા કપના સુપર-4 મેચમાં બાંગ્લાદેશ સામે પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. ચારિથ અસલંકાના નેતૃત્વ હેઠળ, શ્રીલંકા ત્રણ જીત સાથે ગ્રુપ Bમાં ટોપ પર રહ્યું હતું.
બાંગ્લાદેશ બીજા સ્થાને રહીને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થયું હતું. શ્રીલંકાએ બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું અને પછી હોંગકોંગ અને અફઘાનિસ્તાનને અનુક્રમે 4 અને 6 વિકેટથી હરાવ્યું. જોકે, શ્રીલંકાની બેટિંગ અચાનક ચોક કરી શકે છે, જેમ કે તેણે હોંગકોંગ સામે કર્યું હતું, જ્યાં પથુમ નિસાન્કાની અડધી સદી બાદ ટીમ હારની કગાર પર પહોંચી ગઈ હતી.
શ્રીલંકાનો નબળો મિડલ ઓર્ડર
શ્રીલંકાનો નબળો મિડલ ઓર્ડર એક મોટી ચિંતાનો વિષય છે. નિસાન્કાએ શ્રીલંકા માટે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, ત્રણ મેચમાં 124 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. ફરી એકવાર શ્રીલંકાને મજબૂત શરૂઆત આપવા માટે તેની જરૂર પડશે. પહેલી બે મેચમાં નિષ્ફળતા બાદ, વિકેટકીપર-બેટ્સમેન કુસલ મેન્ડિસે અફઘાનિસ્તાન સામે 52 બોલમાં 74 રનની આક્રમક ઈનિંગ રમી હતી.
લેફટી બેટ્સમેન કામિલ મિશારા પણ સારા ફોર્મમાં છે, પરંતુ શ્રીલંકાને મિડલ ઓર્ડરમાં કેપ્ટન અસલંકા, કુસલ પરેરા અને દાસુન શનાકા પાસેથી ઉપયોગી યોગદાનની આશા રહેશે. શ્રીલંકાએ ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચમાં બીજી ઈનિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું, અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો તે શનિવારે ટોસ જીતશે, તો તેઆ વલણ ચાલુ રાખશે.
ઉત્તમ બોલિંગ અને ફિલ્ડિંગ
બેટિંગ ઉપરાંત, શ્રીલંકાની ટીમે બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. રાઈટ આર્મ ફાસ્ટ બોલર નુવાન તુશારા પાંચ વિકેટ સાથે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં ચોથા નંબર પર છે. બાંગ્લાદેશની વાત કરીએ તો, તે શ્રીલંકાના કારણે જ સુપર-4માં પહોંચ્યું છે. જો શ્રીલંકા ગુરુવારે અફઘાનિસ્તાન સામે હારી ગયું હોત, તો બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોત.
બાંગ્લાદેશે વધુ સારું પ્રદર્શન કરવું પડશે
બાંગ્લાદેશે હોંગકોંગ સામે સાત વિકેટથી જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી, પરંતુ શ્રીલંકા સામે છ વિકેટથી હારી ગયું હતું. અફઘાનિસ્તાન સામે આઠ રનથી વિજય મેળવીને તેણે પોતાના અભિયાનને પાછું ટ્રેક પર લાવ્યું. બાંગ્લાદેશે ત્રણેય વિભાગોમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે, જેમાં બેટિંગ તેની સૌથી મોટી ચિંતા છે. જો બાંગ્લાદેશે જીતવું હોય તો, કેપ્ટન લિટન દાસ, સૈફ હસન, તાંઝીદ હસન અને તૌહીદ હૃદયોય જેવા ખેલાડીઓએ સતત પ્રદર્શન કરવાની જરૂર પડશે.
એશિયા કપ માટે બંને ટીમો
બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), તંજીદ હસન, પરવેઝ હુસૈન ઇમોન, સૈફ હસન, તૌહીદ હૃદયોય, ઝાકેર અલી, શમીમ હુસૈન, કાઝી નુરુલ હસન સોહાન, શક મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તંજીમ હસન સાકિબ, તસ્કિન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, શૈફ ઉદ્દીન.
શ્રીલંકા: ચરિથ અસલંકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાન્કા, કુસલ પરેરા, જેનિથ લિયાનગે, કામિલ મિશારા, દાસુન શનાકા, કામિન્દુ મેન્ડિસ, વાનિન્દુ હસરાંગા, નુવાનિડુ ફર્નાન્ડો, દુનિથ વેલ્લાલાગે, ચમિકા કરુણારત્ને, મહિષ તીક્ષણા, મથિશા પથિરાના, નુવાન તુશારા, દુષ્મંથા ચમીરા અને બિનુરા ફર્નાન્ડો.

