China Masters 2025માં ખતમ થઈ ગઈ પીવી સિંધુની સફર, ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 1 સામે મળી હાર

ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની ચાઇના માસ્ટર્સ સુપર 750ની સફરનો અંત મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઉનલમાં હાર સાથે થયો. ક્વાર્ટર ફાઈનલમાં સિંધુનો સામનો વર્તમાન વર્લ્ડ નંબર 1 સાઉથ કોરિયન ખેલાડી એન સે યંગ સામે થયો, જે મેચ સાઉથ કોરિયન ખેલાડીએ 38 મિનિટમાં પૂર્ણ કરી હતી.
પીવી સિંધુની સીધા સેટમાં હાર
પીવી સિંધુ હોંગકોંગ ઓપનના પહેલા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી, જેના કારણે ફેન્સને ચાઈના માસ્ટર્સમાં તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા હતી. પીવી સિંધુએ રાઉન્ડ ઓફ 32 અને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર પ્રદર્શન સાથે ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું, પરંતુ તે એન સે યંગ સામે સીધા સેટમાં હારી ગઈ હતી. આ મેચ પીવી સિંધુ 14-21 અને 13-21થી હારી. વર્લ્ડ નંબર 1 એન સે યંગ સામેની આ મેચમાં, પીવી સિંધુ સંપૂર્ણપણે દબાણ હેઠળ દેખાઈ. સિંધુએ અત્યાર સુધી એન સે યંગ સામે કુલ આઠ મેચ રમી છે, અને તે બધી હારી ગઈ છે.
હવે બધાની નજર સાત્વિક-ચિરાગ જોડી પર
ભારતની નંબર 1 મેન્સ ડબલ્સ જોડી, સાત્વિકસાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ હોંગકોંગ ઓપન પછી ચાઈના માસ્ટર્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, તેમણે ક્વાર્ટર ફાઈનલમાં તેમનું સ્થાન નિશ્ચિત કર્યું છે. સાત્વિક અને ચિરાગ હવે ચીનના રેન ઝિંગ યુ અને ઝાઈ હાઓનન સામે ટકરાશે. જો સાત્વિક અને ચિરાગ આ મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં સફળ થાય છે, તો તેઓ લીઓ રોલી કાર્નાન્ડો અને બગાસ મૌલાના અથવા એરોન ચિયા અને સોહ વૂઈ યિક સામે ટકરાશે. હોંગકોંગ ઓપન 2025માં, સાત્વિક-ચિરાગ જોડી ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ચીની જોડી સામે મેચ હારી ગઈ હતી.

