Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Sri Lankan player's father passed away during match Jayasuriya gave news

VIDEO / મેચ દરમિયાન શ્રીલંકાના સ્ટાર ખેલાડી પર તૂટી પડ્યો દુઃખોનો પહાડ, કોચ જયસૂર્યાએ આપ્યા પિતાના નિધનના સમાચાર

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO / મેચ દરમિયાન શ્રીલંકાના સ્ટાર ખેલાડી પર તૂટી પડ્યો દુઃખોનો પહાડ, કોચ જયસૂર્યાએ આપ્યા પિતાના નિધનના સમાચાર
સોર્સ : Google

ગુરુવારે એશિયા કપ 2025ના ગ્રુપ B મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવી હોવા છતાં, શ્રીલંકાની ટીમ શોકમાં હતી. ટીમના યુવા ઓલરાઉન્ડર, દુનિથ વેલ્લાલાગેના પિતા, સુરંગા વેલ્લાલાગેનું હાર્ટએટેકથી અવસાન થયું. ગુરુવારે દુનિથ અફઘાનિસ્તાન સામે ટીમ માટે રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. કોચ સનથ જયસૂર્યાએ મેચ પછી મેદાન પર તેને દુઃખદ સમાચાર આપ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

App Store

જયસૂર્યાએ મેચ પછી સમાચાર આપ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, શ્રીલંકાના કોચ અને ભૂતપૂર્વ ક્રિકેટ દિગ્ગજ સનથ જયસૂર્યા દુનિથ પાસે જાય છે, તેને સાંત્વના આપે છે અને તેના પિતાના અવસાનની જાણ કરે છે. વાતચીત દરમિયાન દુનિથ ભાવુક દેખાયો હતો. તેના પિતા, સુરંગા વેલ્લાલાગે, પણ એક ક્રિકેટર હતા અને પ્રિન્સ ઓફ વેલ્સ કોલેજના કેપ્ટન હતા. જોકે, તેમને ક્યારેય શ્રીલંકાની નેશનલ ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક નહતી મળી.

રસેલ આર્નોલ્ડનું નિવેદન

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર રસેલ આર્નોલ્ડ, જેઓ મેચ દરમિયાન લાઈવ કોમેન્ટ્રી કરી રહ્યા હતા, તેમણે કહ્યું, "દુનિથ વેલ્લાલાગેના પિતા, સુરંગાનું હમણાં જ અવસાન થયું છે. તેઓ પોતે એક ક્રિકેટર હતા અને પ્રિન્સ ઓફ વેલ્સ કોલેજ ટીમના કેપ્ટન હતા. જ્યારે હું સેન્ટ પીટર્સ કોલેજ માટે રમતો હતો ત્યારે તેઓ કેપ્ટન હતા. આ અત્યંત દુઃખદ છે. આ સમાચાર હમણાં જ દુનિથ સાથે શેર કરવામાં આવ્યા છે. અમારી સંવેદના તેમના પરિવાર સાથે છે. ટીમનો ડ્રેસિંગ રૂમ એક પરિવાર જેવો છે. આશા છે કે, આ ઘટના ટીમને મજબૂત બનાવશે અને અમે સુપર-4માં સારું પ્રદર્શન કરીશું."

મેચમાં વેલ્લાલાગેનું પ્રદર્શન

અફઘાનિસ્તાન સામેની મેચમાં દુનિથનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહતું. તેણે 4 ઓવરમાં 49 રન આપ્યા અને માત્ર એક વિકેટ લીધી. મોહમ્મદ નબીએ એક ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા. નબીએ 22 બોલમાં 60 રનની તોફાની ઈનિંગ રમી. જોકે, અફઘાનિસ્તાનના પ્રયાસો છતાં, ટીમ મેચ ન બચાવી શકી. શ્રીલંકા મેચ જીતી ગયું અને સુપર-4 માટે ક્વોલિફાય થયું. અફઘાનિસ્તાને 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં, શ્રીલંકાએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. કુસલ મેન્ડિસે 52 બોલમાં અણનમ 74 રનની ઈનિંગ રમી હતી.