ભગવાન જગન્નાથ કથા : રેમી એવોર્ડ વિનરના ભવ્ય નાટકનો ગુજરાતમાં પ્રથમ શો યોજાશે, સ્ટેજ પર અનુપ જલોટાના સ્વરે આરતી અને જગન્નાથપુરીનો રથ
Dhananjay Kapoor spiritual drama Bhagwan Jagannath Katha played in ahmedabad on 9 november | Bhagwan Jagannath Katha : હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે અષાઢ મ

Bhagwan Jagannath Katha : હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. દેશની સૌથી મોટી જગન્નાથજીની રથયાત્રા ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં નીકળે છે અને ત્યારબાદ બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. આ દિવસે જગન્નાથપુરીની જેમ જ આખું અમદાવાદ ભગવાન જગન્નાથના રંગમાં રંગાઈ જાય છે. અમદાવાદમાં આવું જ દિવ્ય વાતાવરણ આગામી 9 નવેમ્બરે સર્જાવા જઈ રહ્યું છે. કારણ કે ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદમાં 9 નવેમ્બરે ભવ્ય અને દિવ્ય આદ્યાત્મિક નાટક ‘ભગવાન જગન્નાથ કથા’નું મંચન થવા જઈ રહ્યું છે.
રેમી એવોર્ડ વિનર ધનંજય કપૂરે લખ્યું નાટક
ફિલ્મ લેખક તેમજ નાટ્ય લેખક, પ્રખ્યાત રેમી એવોર્ડ વિજેતા ધનંજય કપૂર (Dhananjay Kapoor)ના નિર્દેશનમાં ભંડીરા ટ્રી થિયેટર ગ્રુપ (Bhandira Tree Theater Group) દ્વારા આ નાટક ‘ભગવાન જગન્નાથ કથા’નું મંચન અમદાવાદમાં 9 નવેમ્બરે આશ્રમ રોડ ખાતે આવેલા દિનેશ હોલમાં થશે. આ નાટક ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય તેમજ ભંડીરા ટ્રી થિએટર ગ્રૂપ દ્વારા કલા સ્મૃતિના સહયોગથી રજૂ કરવામાં આવનાર છે. અહીં ક્લિક કરીને આ નાટક જોવા માટે ફ્રી રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
અનુપ જલોટાએ ગાઈ છે જગન્નાથજીની આરતી, નાટકમાં જોવા મળશે જગન્નાથપુરીનો રથ
ભગવાન જગન્નાથની પૌરાણિક કથાનો ઉલ્લેખ ઋગ્વેદ, રામાયણ અને 12 પુરાણોમાં કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય ભક્તિ કથાઓની જેમ તે ક્યારેય લોકો સુધી પહોંચી નથી. આ નાટક, 'ભગવાન જગન્નાથ કથા' એ ભગવાન જગન્નાથની દિવ્યકથા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે, જેથી લોકો સમજી શકે કે ભગવાન ભેદભાવ રહિત, પ્રેમથી ભરેલા છે અને પ્રેમભરી ભક્તિ દ્વારા જ મળી શકે છે.
આ નાટક ‘ભગવાન જગન્નાથ કથા’નું સૌપ્રથમ મંચન 18 ડિસેમ્બર 2021ના રોજ ઓરિસ્સામાં થયું હતું અને અત્યાર સુધીમાં 8 વાર ભજવાઈ ગયું છે. ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદમાં આ નાટક યોજાવા જઈ રહ્યું છે.
નાટકમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની જગન્નાથપુરીમાં બનાવવામાં આવે છે તેવી જ ચલ વિગ્રહ - કાષ્ઠ પ્રતિમાઓ તેમજ 4 ફુટનો રથ મંચ પર રજૂ કરવામાં આવ્યા છે.
આ નાટકનું સંગીત અને ડબિંગ મુંબઈમાં અલકા યાજ્ઞિકના સ્ટુડિયોમાં કરવામાં આવ્યું અને નાટકમાં આવતી ભગવાન જગન્નાથજીની આરતીને પ્રખ્યાત ભજન ગાયક અનુપ જલોટાએ સ્વર આપ્યો છે. આ નાટક જોઈને સૌ કોઈ અભિભૂત થઈ જાય છે સાડા ચાર કલાકનું આ નાટક શરૂ થાય છે ત્યારથી પ્રેક્ષકોને જકડી રાખે છે.
રોચક રીતે બન્યું છે આખું નાટક
ધનંજય કપૂર પોતે ભગવાન જગન્નાથના ભક્ત છે. તેમના ઘરે શ્રીકૃષ્ણ અને બલરામની પૂજા થાય છે અને સમગ્ર પરિવાર ભગવાન જગન્નાથની ભક્તિ કરે છે. આ નાટકની સ્ક્રીપ્ટ ધનંજય કપૂરને મુંબઈના જુહુમાં આવેલા ઇસ્કોન મંદિરના એક સાધુ પાસેથી મળી હતી. પરંતુ આ નાટકનું કોઈએ મંચન કર્યું ન હતું. આથી તેમણે આ નાટકને મંચ પર લઈ જવાનો વિચાર કર્યો અને રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને સ્ક્રીપ્ટ તૈયાર કરી.
કોરોનાકાળમાં લોકડાઉન લાગુ થતા તેમની તૈયારી ત્યાં અટકી ગઈ. બાદમાં જુહુના ઇસ્કોન મંદિરના ઓડિટોરિયમમાં તેમના સાથીઓએ રિહર્સલ કર્યું અને બાદમાં ફરી લોકડાઉન લાગુ થતા તેમના સાથીઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન રિહર્સલ કરીને નાટકની સંપૂર્ણ તૈયારી કરી.
ધનંજય કપૂરના દેશ-વિદેશમાં રહેતા મિત્રોએ આર્થિક મદદ કરી, જેમાંથી તેમણે પાત્રોના આભૂષણ-વસ્ત્રો તેમજ સમગ્ર સેટ ઉભો કર્યો.
આ દરમિયાન ધનંજય કપૂરનો પરિચય રબીનારાયણ રથ શર્મા સાથે થયો. રબીનારાયણ રથ શર્માએ આ નાટક માટે તેમને આધ્યત્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું અને પ્રથમ મંચન ઓરિસ્સાના ભુવનેશ્વરમાં કરવા કહ્યું. ત્યાં ધનંજય કપૂરને શ્રીરામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી તેમજ ઉદ્યોગપતિ જગમોહન ગુપ્તા સાથે થઈ, જે તેમના નાટકના પ્રથમ મંચનના સ્પોન્સર બન્યા અને 18 ડિસેમ્બર 2021ના રોજ ઓરિસ્સામાં આ નાટક મંચ પર ભજવાયું હતું. આ નાટક જોઈને સૌકોઈ અભિભૂત થયા હતા, સાડા ચાર કલાકનું આ નાટક શરૂ થાય છે ત્યારથી પ્રેક્ષકોને જકડી રાખે છે.
ભગવાન જગન્નાથ કથા
આધ્યાત્મિક માર્ગદર્શન: શ્રી રબિ નારાયણ રથ શર્મા
અભિનેતા:
- સુરેશ યાદવ
- રવીશ રાઠી
- બ્રિજેશ્વર સિંહ
- દેબોસ્મિતા ઘોષાલ
- પલાશ દત્ત
- ગાર્ગી નંદી રોય
- સંજુ બેનર્જી
- સુનીલ મનોહર
- કૃષ્ણ ઉપાધ્યાય
- નાથા દેવાસી
- હર્ષિતા કપૂર
ઓડિસી નૃત્ય: જુલી નાગ અને રિતુ આહેરાવ
પ્રકાશ અને ધ્વનિ: શૈલેષ હેજમાડી અને મનીષ ચૌરસિયા
સહાયક : વિવાના કપૂર
સ્ટેજ ઓપરેશન: કૃષ્ણ ઉપાધ્યાય, ગિરીશ સિંહ, નાથા દેવાસી
ટ્રસ્ટી: હેમંત ભાંગડે, રાજેશ સિન્હા, કુ• મંજુલા જગતરામકા, શ્રીમતી મોહિની કપૂર
સંરક્ષક :
- જગમોહન ગુપ્તા.
- મહેશ પોદ્દાર
- અજીતકુમાર લાલ
- રામ પાલ
- વિજય શર્મા
- દિલીપ ત્રિપાઠી
- યશ મોદી
- લોચન કૃષ્ણ દાસ
- જોગજ્યોતિ પાટી.
- દર્શન જિંદાલ
- અંશુમન શર્મા








