"હાઈકમાન્ડ કહેશે તો પણ માફી નહીં માગું, રાજીનામું આપવું મંજૂર છે" દલેર મહેંદી વિવાદમાં મંત્રી સુબોધ ઉનિયાલનું મોટું નિવેદન

ઉત્તરાખંડના કુન્જાપુરી મેળામાં જાણીતા પંજાબી ગાયક દલેર મહેંદી સાથે થયેલા સ્ટેજ વિવાદમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલનું આક્રમક વલણ યથાવત છે. આ વિવાદ શાંત પડવાના બદલે વધુ વણસતો જોવા મળી રહ્યો છે. દહેરાદૂનમાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રી સુબોધ ઉનિયાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં માફી નહીં માગે અને જો તેમના પક્ષનું હાઇકમાન્ડ પણ તેમને માફી માગવા કહેશે તો તેઓ મંત્રી પદેથી રાજીનામું આપી દેશે.
'જીવનમાં આત્મસન્માનથી મોટું કંઈ નથી'
દેહરાદૂન ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન સુબોધ ઉનિયાલે કહ્યું હતું કે, "કોઈએ મને પૂછ્યું કે જો પક્ષનું હાઈકમાન્ડ તમને માફી માગવા કહેશે તો તમે શું કરશો? તો મારો સ્પષ્ટ જવાબ હતો કે હું રાજીનામું આપવાનું પસંદ કરીશ પણ માફી નહીં માગું. કારણ કે જીવનમાં સૌથી મહત્વની બાબત સેલ્ફ-રિસ્પેક્ટ (આત્મસન્માન) છે." તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના આત્મસન્માન સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી.
શું હતો સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છે કે, 18 ઑક્ટોબરે ટિહરી ખાતે આયોજિત કુન્જાપુરી દેવી મેળાની સાંસ્કૃતિક સંધ્યામાં દલેર મહેંદી પરફોર્મ કરી રહ્યા હતા. પરફોર્મન્સ દરમિયાન મંત્રી સુબોધ ઉનિયાલ અચાનક સ્ટેજ પર પહોંચી ગયા હતા અને તેમણે દલેર મહેંદી પર લાઈવ ગાવાને બદલે માત્ર લિપ-સિંક કરવાનો અને નશાની હાલતમાં હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો. મંત્રીએ જાહેર મંચ પરથી દલેર મહેંદીને ખરી-ખોટી સંભળાવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર બોલિવૂડ અને સંગીત જગત દલેર મહેંદીના સમર્થનમાં આવ્યું હતું.
બોલિવૂડ અને સિંગર્સે કર્યો હતો વિરોધ
આ ઘટના બાદ દલેર મહેંદીના ભાઈ મીકા સિંહ, કોમેડિયન કપિલ શર્મા સહિત અનેક જાણીતા કલાકારોએ મંત્રીના વર્તનની આકરી ટીકા કરી હતી. મીકા સિંહે ખુલાસો કર્યો હતો કે દલેર મહેંદી ક્યારેય દારૂ પીતા નથી અને તાજેતરમાં જ તેમની એક ગંભીર સર્જરી થઈ હોવાથી તેમની તબિયત સારી નહોતી. પરિસ્થિતિ વણસતી જોઈને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ વચ્ચે પડીને દલેર મહેંદી અને મીકા સિંહ સાથે ટેલિફોનિક વાતચીત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
મીકા સિંહના દાવાઓને મંત્રીએ ફગાવ્યા
અગાઉ એવી અફવાઓ અને દાવાઓ સામે આવ્યા હતા કે મંત્રીએ સિંગરની માફી માંગી લીધી છે. જોકે, સુબોધ ઉનિયાલે પોતાના આ તાજા નિવેદનથી એ તમામ અટકળોને ફગાવી દીધી છે. મંત્રીએ જણાવ્યું કે તેઓ આયોજક અને જનપ્રતિનિધિ હોવાના નાતે દર્શકો સાથે થતી છેતરપિંડી સહન ન કરી શકે. હવે તેમના રાજીનામાં આપવાની તૈયારી દર્શાવતા નિવેદનથી ઉત્તરાખંડના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.












