નેશનલ એવોર્ડ જીત્યા બાદ યામી ગૌતમ-આદિત્ય ધરનો મોટો નિર્ણય, માયાનગરી મુંબઈને કહેશે અલવિદા?

આદિત્ય ધર અને યામી ગૌતમે આ વર્ષે નેશનલ એવોર્ડ્સ જીત્યા છે. યામી ગૌતમને ફિલ્મ ‘આર્ટિકલ 370’માં પોતાના શાનદાર અભિનય માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તો બીજી તરફ આદિત્ય ધર માટે આ વર્ષ અને ગત વર્ષ ખૂબ જ ખાસ રહ્યું. તેની ફિલ્મ ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આદિત્ય ધર અને યામી ગૌતમ મુંબઈ છોડીને બીજી જગ્યાએ પોતાનું નિવાસસ્થાન બનાવવા જઈ રહ્યા છે.
મીડિયો અહેવાલ અનુસાર આદિત્ય ધર અને યામી ગૌતમ હવે મુંબઈથી દૂર હિમાચલ પ્રદેશમાં પોતાનો નવો આશિયાનો વસાવવા જઈ રહ્યા છે. આ કપલ મુંબઈથી દૂર હિમાચલ પ્રદેશમાં સેટલ થવા જઈ રહ્યું છે. બંને મુંબઈમાં પોતાના કામ અને હિમાચલ પ્રદેશમાં પોતાની પર્સનલ લાઈફ વચ્ચે સમય વિતાવવાના છે.
હિમાચલ પ્રદેશમાં યામીનું ઘર છે
યામી માટે હિમાચલ પ્રદેશ હંમેશાં ખૂબ જ ખાસ રહ્યું છે. આ તેના માટે માત્ર રજાઓ વિતાવવાની કે મુંબઈની ઝાકઝમાળથી દૂર જવાની જગ્યા નથી, પરંતુ તેના પરિવાર અને નાનપણની યાદો સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલું છે. લગ્ન પહેલાં જ એક્ટ્રેસ યામી ગૌતમે મંડીના ગોહરમાં આશરે 25 એકર જમીન પર બનેલું 100 વર્ષ જૂનું હેરિટેજ હોમ ખરીદ્યું હતું. આ જૂનું ઘર આજે પણ તેના માટે ખૂબ ખાસ છે અને હવે તેના પરિવારનો પણ આની સાથે ગાઢ સંબંધ છે.
કપલે ઝાકઝમાળથી દૂર કર્યા હતા લગ્ન
આદિત્ય ધર અને યામી ગૌતમે એક્ટ્રેસના આ જ ઘરમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન કોરોના કાળ દરમિયાન થયા હતા. આદિત્ય ધર અને યામી ગૌતમે અત્યંત સાદગીથી લગ્ન કર્યા હતા. આ કપલ કોઈ પણ ઘોંઘાટ કે ધામધૂમ વગર સાદગીથી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
યામી ગૌતમ અને આદિત્ય ધર હંમેશાં પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખતા આવ્યા છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ઓછી એક્ટિવ રહે છે. યામી ગૌતમે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે પોતાની પર્સનલ લાઈફ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માગતા નથી. તે પોતાની લાઈફ વિશે દરેક વ્યક્તિ સાથે બધું શેર કરવા નથી માગતી.

