VIDEO: ગુજરાતનો સૌથી નાની વયનો વિવાન બન્યો 'ઈન્ટરનેશનલ માસ્ટર', સુરતના ૧૪ વર્ષીય વિવાન શાહે રચ્યો ઈતિહાસ !
સુરતના ૧૪ વર્ષીય વિવાન શાહે રચ્યો ઈતિહાસ
ગુજરાતનો સૌથી નાની વયનો બન્યો 'ઈન્ટરનેશનલ માસ્ટર'!
ચેસ બોર્ડ પર સુરતના સિતારાનો ડંકો
ગુજરાતના ડાયમંડ સિટી સુરતના ૧૪ વર્ષીય શતરંજ ખેલાડી વિવાન શાહે ઈતિહાસ રચીને રાજ્યનું નામ સમગ્ર દેશ અને દુનિયામાં રોશન કર્યું છે. વિવાન શાહ માત્ર ૧૪ વર્ષની નાની વયે ચેસ ક્ષેત્રે ઈન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ હાંસલ કરીને ગુજરાતનો સૌથી નાની વયનો ઈન્ટરનેશનલ માસ્ટર બની ગયો છે. આ સાથે જ તેણે જ્વલ પટેલનો સૌથી નાની વયે ઈન્ટરનેશનલ માસ્ટર બનવાનો વર્ષો જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વિવાન શાહે પોતાના અસાધારણ કૌશલ્ય અને અથાક મહેનતના બળે ફિડે રેટિંગમાં ૨૪૦૦ પોઈન્ટનો આંકડો સફળતાપૂર્વક પાર કરી લીધો છે. ઈન્ટરનેશનલ માસ્ટર બનવા માટે જરૂરી ત્રણેય ઈન્ટરનેશનલ માસ્ટર નોર્મ્સ મેળવીને તેણે આ મહાન સિદ્ધિ પોતાના નામે કરી છે. બુદ્ધિના આ ખેલમાં વિવાનની આ ઝળહળતી સફળતાથી તેના પરિવાર, કોચ અને સમગ્ર ગુજરાતના રમતગમત જગતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
૨૪૦૦ ફિડે રેટિંગ પાર કરી જ્વલ પટેલનો તોડ્યો રેકોર્ડ!
બુદ્ધિના ખેલમાં વિવાને વધાર્યું ગુજરાતનું ગૌરવ
વિવાન શાહની ઐતિહાસિક સિદ્ધિથી રમતગમત જગતમાં ઉત્સાહ!
નાની ઉંમરે ચેસના બોર્ડ પર મોટા-મોટા દિગ્ગજોને માત આપનાર વિવાન શાહે આ સિદ્ધિ મેળવ્યા બાદ પોતાનો આગામી લક્ષ્યાંક સ્પષ્ટ કર્યો છે. ઈન્ટરનેશનલ માસ્ટર બન્યા બાદ હવે તેનું સપનું દેશ માટે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવવાનું છે. વિવાનના મતે, આ માત્ર એક તબક્કો છે અને તે ભારતના આગામી શતરંજ ગ્રાન્ડમાસ્ટર બનવા માટે દરરોજ કલાકો સુધી સખત રિયાઝ અને વિશ્લેષણ કરી રહ્યો છે.સુરતથી સામે આવેલા રિપોર્ટમાં વિવાન શાહની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ તેની ઉજવણી કરતા પરિવારજનો, તેની આકરી તાલીમના દ્રશ્યો અને ચેસ બોર્ડ પર ચાલો ચાલતો આ યુવા સિતારો સ્પષ્ટ જોઈ શકાય છે. વિવાન શાહની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ ગુજરાતના અન્ય યુવા રમતવીરો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે અને રમતગમત ક્ષેત્રે રાજ્યના આશાસ્પદ ભવિષ્યનો સંકેત આપે છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

