VIDEO: MORNING BULLETIN: ઈરાન પર હુમલો કરવાની ખુલ્લી ચેતવણી, કાર્યકર્તાને થપ્પડ મારતો મમતાનો વીડિયો વાયરલ, ગુજરાતનો દરિયો બનશે તોફાની
1. ઈરાન પર હુમલો કરવાની ખુલ્લી ચેતવણી ઈરાન સાથે યુદ્ધવિરામ તૂટ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ગમે તે ક્ષણે ફરી મોટો અને ઘાતક હુમલો કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પના આ આક્રમક એલાન બાદ પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા અને તણાવનો માહોલ ઉભો થયો છે. જોકે, અમેરિકાની આ સૈન્ય તૈયારીઓ સામે ઈરાને 'અમે ડરતા નથી' તેવા તેવર બતાવ્યા છે. 2.દિલ્હીના રોહિણી સેક્ટર-16માં બહુ માળની ઈમારત ધરાશાયી દિલ્હીના રોહિણી સેક્ટર-16માં એક બહુ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકાને પગલે શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 3. કાર્યકર્તાને થપ્પડ મારતો મમતાનો વીડિયો વાયરલ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી દરમિયાન ભારે હોબાળો અને હિંસા થઈ હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો છે, જેમાં મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસના જ એક કાર્યકર્તાને થપ્પડ મારતા જોવા મળે છે. રેલીમાં ભાજપ અને ટીએમસી વચ્ચેની મારામારીમાં 41 લોકો ઘાયલ થયાના સમાચાર છે. 4. સુરતમાં મેઘરાજા બગડ્યા! સુરતમાં ખાડી પૂર અને ભારે વરસાદને પગલે પુણા પાટિયા અને મગોબ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે. સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિક પેટ્રોલ પંપ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. આવામાં તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર કાગળ પર જ રહ્યા હોય તે સાબિત થાય છે. 5. સુરેન્દ્રનગરમાં બુટલેગરો બેફામ, યુવક પર હુમલો સુરેન્દ્રનગરની વેલનાથ સોસાયટીમાં દારૂનું દૂષણ બંધ કરાવવા ગયેલા એક સ્થાનિક યુવક પર બુટલેગર જીજ્ઞેશ અને તેના ત્રણ સાગરીતોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી છે. ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખુલ્લેઆમ થતા દારૂના વેચાણને કારણે નશાખોરો સોસાયટીમાં અપશબ્દો બોલે છે, જેના લીધે મહિલાઓની સુરક્ષા જોખમાઈ રહી છે. 6. રાજ્યમાં 7,500થી વધુ લોકોનું સ્થળાંતર સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સુરત સહિતના વિસ્તારોમાં મેઘતાંડવની પરિસ્થિતિમાં 7,500થી વધુ લોકોનંન સ્થળાંતર કરાયું છે. પંચાયત હસ્તકના 403 રસ્તાઓ અને 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 425 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. નર્મદા ડેમ 65% ભરાયો છે. 11 ડેમ હાઈ-એલર્ટ પર છે. 7. ગુજરાતનો દરિયો બનશે તોફાની, ચેતવણી જાહેર ગુજરાતમાં સક્રિય ચોમાસાની સિસ્ટમને કારણે દરિયાકાંઠે ભારે પવન અને ઊંચા મોજાંની શક્યતા છે. તેથી માછીમારોને 12 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. IMDએ દક્ષિણ ગુજરાતના તમામ બંદરો માટે ત્રણ નંબરનું પોર્ટ વોર્નિંગ સિગ્નલ યથાવત રાખવાનો અને ઉત્તર ગુજરાતના બંદરો પરથી તે હટાવવાનો નિર્ણય લીધો છે. આજનું રાશિફળ "આજે ચંદ્રના નક્ષત્ર પરિવર્તન અને ગુરુ-શુક્રના શુભ પ્રભાવને કારણે મેષ, મિથુન, તુલા અને ધન રાશિના જાતકો માટે પ્રગતિ, સફળતા અને ધન લાભના ઉત્તમ યોગ બની રહ્યા છે. કર્ક, કન્યા, મકર અને મીન રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો, કાર્યક્ષેત્રમાં ઉતાવળિયા નિર્ણયો લેવાથી બચવું. વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ મિશ્ર ફળદાયી રહેશે." આજનું પંચાંગ "પંચાંગ મુજબ આજે અષાઢ માસની કૃષ્ણ પક્ષની દશમ તિથિ અને ભરણી નક્ષત્રનો સમન્વય થઈ રહ્યો છે. ગુરુવારનો દિવસ અને નક્ષત્રની સકારાત્મકતાના કારણે આ દિવસ જ્ઞાનના વિસ્તાર, ધાર્મિક કાર્યો, શિક્ષણ અને નવા વેપારના આયોજન માટે અત્યંત ઉત્તમ અને ફળદાયી રહેશે. આજનો ઇતિહાસ 9 જુલાઈ 1951ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સંસદમાં દેશની પ્રથમ પંચવર્ષીય યોજના રજૂ કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશના કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવાનો હતો. સુંદર વિચાર સાથે કરો દિવસની સકારાત્મક શરૂઆત " જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો, જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો"

