મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઓડિશાની કમાન કોણ સંભાળશે, મુખ્યમંત્રીની રેસમાં આ નેતાઓના નામની ચર્ચા સૌથી વધુ

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને ભલે બહુમતી મળી ન હતો પણ પાર્ટીએ ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજુ જનતા દળન

ઓડિશાની કમાન કોણ સંભાળશે, મુખ્યમંત્રીની રેસમાં આ નેતાઓના નામની ચર્ચા સૌથી વધુ

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને ભલે બહુમતી મળી ન હતો પણ પાર્ટીએ ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજુ જનતા દળને હરાવીને નવીન પટનાયકના 24 વર્ષ જૂના કિલ્લાને ધ્વસ્ત કરી નાખ્યો છે. નવીન પટનાયકે બુધવારે રાજ્યપાલ રઘુબર દાસને પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. આ પછી રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગેની અટકળો વચ્ચે, રાજ્ય ભાજપના અધ્યક્ષ મનમોહન સામલે બુધવારે જણાવ્યું હતું કે પક્ષનું સંસદીય બોર્ડ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે.

માપદંડોના આધારે સીએમની પસંદગી કરવામાં આવશે

આ ઉપરાંત પત્રકારો સાથે વાત કરતા, રાજ્ય ભાજપના અધ્યક્ષે એમ પણ કહ્યું હતું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે ભાજપના નવા મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે. વડાપ્રધાન દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. એક ઓડિયા વ્યક્તિ જે રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખશે તે ઓડિશાના આગામી મુખ્યમંત્રી હશે.'

ઓડિશામાં રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ભારે ઉત્તેજના છે. જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા, ભુવનેશ્વરના સાંસદ અપરાજિતા સારંગી અને બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગીનો સમાવેશ થાય છે.

ભાજપે  74 બેઠકો પર વિજય મેળવ્યો

વિધાનસભા ચૂંટણીમાં 147 બેઠકોમાંથી 74 બેઠકો જીતીને, ભારતીય જનતા પાર્ટીએ નવીન પટનાયકની આગેવાની હેઠળની બીજેડી સરકારને જોરદાર પરાજય આપ્યો હતો, જે રાજ્યમાં 24 વર્ષથી શાસન કરી રહી હતી. ચૂંટણીમાં પટનાયકના બીજુ જનતા દળ (BJP)ને 51 બેઠકો મળી, જે બહુમતીના 74ના આંકડાથી ઘણી પાછળ હતી.

ધર્મેન્દ્ર પ્રધાન


કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને સંબલપુરના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાનના નામની ચર્ચા થવા પાછળનું કારણ એ છે કે તેમણે બીજેપીના ઓડિયા એકીકરણ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 10 વર્ષ સુધી કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને શિક્ષણ મંત્રી રહેલા ધર્મેન્દ્ર પ્રધાન મુખ્યમંત્રી પદની રેસમાં અન્ય લોકો કરતા આગળ છે. પ્રધાને 2000માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ રાજકારણમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2004માં તેઓ દેવગઢ, ઓડિશાથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009માં તેઓ પલ્લાહરા વિધાનસભા બેઠક પરથી હારી ગયા હતા. આ પછી તેઓ બિહાર અને પછી મધ્યપ્રદેશમાંથી રાજ્યસભામાં ચૂંટાયા. તેમણે બિહારમાં ચૂંટણી પ્રભારી અને કર્ણાટક, ઉત્તરાખંડ, ઝારખંડ અને ઓડિશામાં પાર્ટી બાબતોના પ્રભારી તરીકે પણ કામ કર્યું છે.

બૈજયંત પાંડા


ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા પણ આ પદ માટે અગ્રણી ઉમેદવાર છે. એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની પૃષ્ઠભૂમિ સાથે મિશિગન ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના સ્નાતક પાંડા, રાજકારણમાં પ્રવેશતા પહેલા સફળ કોર્પોરેટ કારકિર્દી ધરાવતા હતા. પાંડા, એક વખતના રાજ્યસભાના સાંસદ અને બીજેડીના બે વખતના લોકસભા સાંસદ, છ વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા હતા અને 2019માં કેન્દ્રપારા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જ્યાં તેઓ હારી ગયા હતા. આ પછી, 2024 લોકસભા ચૂંટણીમાં, તેમણે BJDના અંશુમન મોહંતીને 66,536 મતોથી હરાવ્યા. તેઓ એવા કેટલાક નેતાઓમાંના એક છે જેમને RSSના ટોચના નેતાઓનું નક્કર સમર્થન છે અને તેઓ આગળના દોડવીરોમાંના એક ગણાય છે.

અપરાજિતા સારંગી


ભુવનેશ્વરથી ભાજપના નેતા અપરાજિતા સારંગીએ કોંગ્રેસ નેતા યાસિર નવાઝ અને બીજેડીના નેતા મનમથ રાઉથેને ટક્કર આપીને જીત મેળવી છે. અપરાજિતાને 512519 વોટ મળ્યા, જ્યારે મનમથ રાઉતરાયને 477367 વોટ અને સૈયદ યાસિર નવાઝને 66362 વોટથી સંતોષ માનવો પડ્યો. ભાજપના નેતા અપરાજિતા સારંગી સરકારી નોકર રહી ચૂક્યા છે. તેમના પતિ પણ સરકારી નોકર છે. આ સિવાય તે સામાજિક કાર્યોમાં પણ કામ કરતી જોવા મળી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, તેમણે વર્ષ 1990માં બિહારની ભાગલપુર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

પ્રતાપ સારંગી


બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગીને પણ મુખ્યમંત્રી પદની રેસમાં મહત્વનો ચહેરો માનવામાં આવે છે. તેઓ 2022 માં જળ સંસાધન પરની સ્થાયી સમિતિના સભ્ય હતા. 2019 થી 2021 સુધી, તેમણે કેન્દ્રીય રાજ્ય મંત્રી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયનું પદ સંભાળ્યું.

આ સમાચાર શેર કરો