મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? સરકાર બનાવવામાં માત્ર એક જ દિવસનો સમય

મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ મુખ્યમંત્રી પદને લઇને ચર્ચા ચાલી રહી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? સરકાર બનાવવામાં માત્ર એક જ દિવસનો સમય

મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ મુખ્યમંત્રી પદને લઇને ચર્ચા ચાલી રહી છે. ગઠબંધનના દળના નેતા પણ પોત પોતાના નેતાનું નામ આગળ કરી રહ્યાં છે. ભાજપનું કહેવું છે કે ત્રણેય પક્ષ સાથે બેઠક બાદ જ મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. વિધાનસભા સચિવાલયના પૂર્વ સેક્રેટરીએ કહ્યું કે 26 નવેમ્બર સુધી નવી સરકારની રચના થઇ જવી જોઇએ. એવામાં એક જ દિવસનો સમય મહાયુતિ પાસે રહી ગયો છે. આજે ત્રણેય પક્ષના વિધાયક દળની બેઠકમાં નેતાની પસંદગી થઇ શકે છે.

ભાજપે એકલા હાથે 132 બેઠક જીતી

મહારાષ્ટ્રમાં ભાજપે સૌથી મોટી જીત મેળવી છે. 288 વિધાનસભા બેઠકમાંથી ભાજપે એકલા જ 132 બેઠક પર જીત મેળવી છે. એવામાં સાથી પક્ષ મુખ્યમંત્રી પદને લઇને મૌન છે પરંતુ તેમના ધારાસભ્ય માંગ કરી રહ્યાં છે કે મુખ્યમંત્રી તેમની પાર્ટીનો જ બને. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ કરી રહ્યાં છે તો શિવસેના નેતાઓનું કહેવું છે કે ચૂંટણી એકનાથ શિંદેના મુખ્યમંત્રી રહેતા જ લડવામાં આવી હતી માટે તેમને જ મુખ્યમંત્રી બનાવવા જોઇએ.

આ પણ વાંચો: ‘લાડલી ધારાસભ્ય’ ! 363 મહિલા ઉમેદવારોએ લડી મહારાષ્ટ્ર ચૂંટણી, જીતી માત્ર 22

મહારાષ્ટ્રમાં ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું, મુખ્યમંત્રી પદ પર નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ લેશે. સાથી પક્ષોની સલાહ વગર કોઇ નિર્ણય લેવામાં નહીં આવે. બીજી તરફ શિવસેનાએ પણ પોતાની આશા છોડી નથી. ચૂંટણી પરિણામ દરમિયાન પણ એકનાથ શિંદેએ કહ્યું હતું કે વધુ બેઠકનો અર્થ મુખ્યમંત્રી નથી હોતો. શિંદેએ સ્પષ્ટ કર્યું હતુ કે જરૂરી નથી કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બને. બીજી તરફ NCPની પાર્ટી મીટિંગમાં અજિત પવારને નેતા ચૂંટવામાં આવ્યા છે. જોકે, NCP નેતાઓએ એમ પણ કહ્યું કે જો ફડણવીસ CM બને છે તો તેમને કોઇ આપત્તિ નથી.

આ સમાચાર શેર કરો