બારામતી વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સાથે મૃત્યુ પામેલા અન્ય ચાર લોકો કોણ?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત વિમાનમાં સવાર પાંચેય લો

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત વિમાનમાં સવાર પાંચેય લોકોના મોતની પુષ્ટિ થઈ છે. લેન્ડિંગ દરમિયાન બારામતીમાં વિમાન દુર્ઘટના થઈ હતી. વિમાન સવારે 8:10 વાગ્યે મુંબઈથી ઉડાન ભરીને બારામતી જતા હતા. ત્યારે લેન્ડિંગ સમયે બારામતી એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી હતી. અજિત પવારની સાથે તેમના પીએસઓ વિદીપ જાધવ, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન શાંભવી પાઠક અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનું પણ આ વિમાન અકસ્માતમાં મોત થયું છે. અજિત પવારના મૃતદેહની ઓળખ તેમના કપડાં અને ઘડિયાળ પરથી થઈ હતી.
સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વિમાન અકસ્માત તપાસ બ્યુરોની એક ટીમ ક્રેશ લેન્ડિંગની તપાસ કરવા માટે દિલ્હીથી બારામતી માટે રવાના થઈ છે.
પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતા એક મહિલાએ કહ્યું કે બુધવારે સવારે બારામતી એરપોર્ટ પર વિમાનને ચક્કર મારતું જોયું. "હવામાં ચક્કર લગાવ્યા પછી વિમાન થોડું અસ્થિર લાગતું હતું. જેવું તે લેન્ડિગ માટે રન વે નજીક પહોંચ્યું તે પહેલા જમીન પર જોરથી પટકાયું અને જોરદાર વિસ્ફોટ થયો. આ ધમાકાનો અવાજ છેક અમારા ઘર સુધી સંભળાયો. વિસ્ફોટ પછી વિમાનનો કાટમાળ હવામાં ઉછળ્યો. તેના ઘર પાસે પણ કાટમાળ પડ્યો છે. વિમાન નીચે પટકાયા પહેલા એક તરફ નમેલું હતું. અમે ખૂબજ ભયાવહ વિસ્ફોટ જોયો.
આ સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમને આશા હતી કે અજિત પવાર રાજકારણમાં લાંબી ઈનિંગ રમશે પણ એવું ના થયું. આ ઘટનાને લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
કપડાં અને ઘડિયાળ પરથી કરાઈ અજિત પવારની ઓળખ
આ ઘટના પછી પોલીસ અને તપાસ એજન્સીઓના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે, મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હોવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી. આ સ્થિતિમાં અજિત પવારની ઓળખ કપડાં અને ઘડિયાળ પરથી કરાઈ હતી.
દુર્ઘટના વખતે વિમાનનું સુકાન કેપ્ટન શાંભવી પાઠક પાસે હતું
બારામતીમાં ક્રેશ થયેલું વિમાન લિયરજેટ 45 ((Learjet 45) હતું, જેનું વજન 9,752 કિલો હતું. આ દુર્ઘટના વખતે વિમાનનું સુકાન ફર્સ્ટ ઓફિસર કેપ્ટન શાંભવી પાઠક પાસે હતું. શાંભવી પાઠક ઉડ્ડયન ક્ષેત્રે બહોળો અનુભવ અને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા. શાંભવી પાઠકે પ્રારંભિક શિક્ષણ દિલ્હીની પ્રતિષ્ઠિત 'એરફોર્સ બાલ ભારતી સ્કૂલ'માંથી કર્યો હતો. આકાશમાં ઉડવાનું સપનું સેવનાર શાંભવી પાઠકે મુંબઈ યુનિવર્સિટીમાંથી એરોનોટિક્સ/એવિએશન/એરોસ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં બી.એસસી. ડિગ્રી હાંસલ કરી હતી. ત્યાર પછી પાયલોટ બનવા ખાસ તાલીમ લેવા 'ન્યૂઝીલેન્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાયલોટ એકેડેમી'માંથી વ્યવસાયિક તાલીમ લીધી હતી. આ દુર્ઘટના બાદ ઉડ્ડયન જગત અને શાંભવી પાઠકના પરિવારમાં પણ શોકની લહેર પ્રસરી ગઈ છે. હાલ તપાસ એજન્સીઓ આ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પ્રયત્નશીલ છે.
આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કેપ્ટન સુમિત કપૂર (પાઇલટ-ઇન-કમાન્ડ), કેપ્ટન શામ્ભવી પાઠક (ફર્સ્ટ ઓફિસર), વિદીપ જાધવ (પર્સનલ સિક્યુરિટી ઓફિસર) અને પિંકી માલી (ફ્લાઈટ એટેન્ડન્ટ) એમ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.








