પુણેમાં 2ને કચડી નાખનાર રઈશજાદાના પિતા વિશાલ અગ્રવાલ કોણ છે?, જાણો તેની અબજોની સંપત્તિ
પુણે રોડ અકસ્માત કેસમાં તપાસ ચાલી રહી છે. બુધવારે સગીર આરોપીના પિતા વિશાલ અગ્રવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવશ

પુણે રોડ અકસ્માત કેસમાં તપાસ ચાલી રહી છે. બુધવારે સગીર આરોપીના પિતા વિશાલ અગ્રવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક દિવસ અગાઉ પોલીસે સંભાજીનગરમાંથી તેની અટકાયત કરી હતી. રવિવારે સવારે બનેલી આ ઘટનામાં એક યુવક અને યુવતીના મોત થયા હતા. આરોપીને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા નિબંધ લખવા અને 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ સાથે કામ કરવા જેવી શરતો પર જામીન આપ્યા હતા.
કોણ છે વિશાલ અગ્રવાલ?
કહેવામાં આવી રહ્યું છે કે અગ્રવાલ પુણેના મોટા રિયલ એસ્ટેટ ડેવલપર છે. તેમની કંપનીનું નામ બ્રહ્મા કોર્પ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ કંપની વિશાલના દાદા બ્રહ્મદત્ત અગ્રવાલે શરૂ કરી હતી. કહેવાઈ રહ્યું છે કે, જ્યારથી આ કંપનીની કમાન વિશાલના હાથમાં આવી ત્યારથી ઘણી પ્રગતિ થઈ છે.
રિપોર્ટ અનુસાર આ કંપનીની સંપત્તિ અંદાજે 601 કરોડ રૂપિયા છે. વડગાંવ શેરી, ખરાડી અને વિમાન નગરમાં કેટલાય મોટા મોટા હાઉસિંગ પ્રોજેક્ટ બ્રહ્મા કોર્પ કંપનીના ચાલી રહ્યા છે. અહેવાલ છે કે આ કંપનીએ શેરેટોન ગ્રાન્ડ અને રેસિડેન્સી ક્લબ જેવી મોટી ઇમારતો પણ બનાવી છે. આ ઉપરાંત, અગ્રવાલ પરિવાર બ્રહ્મા મલ્ટીસ્પેસ અને બ્રહ્મા મલ્ટિકોનના પણ માલિક છે. જેણે શહેરમાં ફાઇવ સ્ટાર હોટેલ્સ બનાવી છે.
વિશાલ અગ્રવાલ સામે કેસ
પોલીસે વિશાલ વિરુદ્ધ JJBની કલમ 75 અને 77 અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો એટલે કે IPC હેઠળ કેસ નોંધ્યો છે. બુધવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે પુત્ર પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નથી તે જાણતા હોવા છતાં કાર આપી હતી.
પબ ઉપર પણ કાર્યવાહી
પુણે પોલીસે સગીર આરોપીઓને દારૂ સર્વ કરવા બદલ પબ માલિક અને મેનેજર સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કોજી અને બ્લેક મેરિયોટ ક્લબને સીલ કરી દીધા હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સગીર આરોપી દારૂ પીતો જોવા મળે છે.






