પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડ ક્યાં છે? સિબ્બલ બાદ સંજય રાઉતે ઉઠાવ્યા સવાલ; અમિત શાહને લખ્યો પત્ર
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ તેમના વિશે હજુ કોઇ જાણકારી મ

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ તેમના વિશે હજુ કોઇ જાણકારી મળી નથી. વિપક્ષ સતત ધનખડને લઇને સવાલ ઉભા કરી રહ્યું છે. કપિલ સિબ્બલ બાદ હવે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિને લઇને સવાલ ઉઠાવ્યા છે. સંજય રાઉતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને જગદીપ ધનખડને શોધવાની માંગ કરી છે અને તેમને દાવો કર્યો કે તેમની સાથે સંપર્ક થઇ શકતો નથી.
મહત્ત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે સ્વાસ્થ્યનો હવાલો આપતા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે 21 જુલાઇએ અચાનક ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું.
સંજય રાઉતે અમિત શાહને લખ્યો પત્ર
ગૃહમંત્રી અમિત શાહને લખવામાં આવેલા પત્રમાં સંજય રાઉતે કહ્યું, 'પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વિશે કોઇ જાણકારી નથી કે તે ક્યાં છે? તેમનું સરનામુ શું છે અને તેમનું સ્વાસ્થ્ય કેવું છે? આ વિષય પર કઇ પણ સ્પષ્ટતા નથી. રાજ્યસભાના કેટલાક સભ્યોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ સંપર્ક થઇ શક્યો નથી.'
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ક્યાં છે?- સંજય રાઉતે ઉઠાવ્યા સવાલ
સંજય રાઉતે કહ્યું કે દિલ્હીમાં અફવા ફેલાયેલી છે કે ધનખડને તેમના ઘર સુધી જ સીમિત કરી દેવામાં આવ્યા છે અને તે કથિત રીતે સુરક્ષિત નથી. શિવસેનાના સાંસદે કહ્યું કે તેમનો અથવા તેમના કોઇ કર્મચારીનો સંપર્ક થઇ શકતો નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે. આપણા પૂર્વ ઉપરાષ્ટ્રપતિની સાથે શું થયું? તે ક્યાં છે? તેમનું સ્વાસ્થ્ય કેવું છે? શું તે સુરક્ષિત છે? દેશને આ સવાલોનો જવાબ જાણવો જરૂરી છે.
ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યા હતા સવાલ
ગત અઠવાડિયે શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ જગદીપ ધનખડને લઇને સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આપણા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હવે ક્યાં છે? આ મુદ્દા પર ચર્ચા થવી જોઇએ.
સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરી શકે છે સાંસદ
શિવસેના સાંસદે કહ્યું કે રાજ્યસભાના કેટલાક સભ્ય સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવાનું વિચારી રહ્યા છે કારણ કે તેઓ ખરેખર ધનખડ વિશે ચિંતિત છે.








