Video: 121 કિલો સોનું દાન કરનાર વર્ધમાન જૈનની શું હતી મનોકામના

સોર્સ: gstv

આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત પ્રસિદ્ધ તિરુમાલા મંદિરમાં ભગવાન શ્રી વેંકટેશ્વરને અત્યાર સુધીનાં સૌથી મોટા વ્યક્તિગત દાનમાંનું એક મળ્યું છે. ચેન્નાઈના ઉદ્યોગપતિ વર્ધમાન જૈન અને તેમનાં પત્ની રાધિકા જૈને ભગવાનને 121 કિલો સોનાના આભૂષણો અર્પણ કર્યા છે. આ સોનાની અંદાજિત કિંમત 207 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં જૈન દંપતીએ આ કિંમતી આભૂષણો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે TTDના અધિકારીઓને સોંપ્યા હતા. આ સમગ્ર દાનમાં 46 આભૂષણોનો સમાવેશ થાય છે, જે નવ સેટમાં તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં 33 પ્રકારની વિશિષ્ટ ડિઝાઇન છે. આ દાન માત્ર તેની કિંમત કે વજનને કારણે જ નહીં, પરંતુ તેની પાછળ રહેલી ધાર્મિક આસ્થા અને ભક્તિભાવને કારણે પણ ચર્ચામાં છે. દાન આપવાર વ્યક્તિને લઈને પણ ખુબ પ્રરણા દાયક માહિતી સામે આવી છે.

વર્ધમાન જૈનની સફળતાની કહાની પણ એટલી જ રસપ્રદ છે. ચેન્નાઈમાં રહેતા વર્ધમાન જૈને પોતાની કારકિર્દીની શરૂઆત નોકરીથી કરી હતી. જોકે, આગળ જતાં તેમણે અમેરિકા જવાનો નિર્ણય કર્યો અને ત્યાં આઈટી તથા હેલ્થકેર ક્ષેત્રમાં પોતાની વ્યવસાયિક સફર શરૂ કરી. પોતાના ભાઈ અનુરાગ જૈન સાથે મળીને તેમણે અમેરિકામાં હેલ્થકેર બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે BPO કંપની સ્થાપી હતી. સમય જતાં આ કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઊભી કરી. અહેવાલો અનુસાર, તેમણે કંપનીમાં પોતાનો 60 ટકા હિસ્સો વેચવાનો મોટો વ્યવસાયિક સોદો કર્યો હતો, જેના બદલામાં આશરે 1.5 અબજ ડોલર મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ સોદાએ તેમની સંપત્તિમાં મોટો વધારો કર્યો. એક સમયે નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર વ્યક્તિ આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક જગતમાં સફળ ઉદ્યોગપતિ તરીકે ઉભરી આવ્યા. વર્ધમાન જૈન વ્યવસાય ઉપરાંત સામાજિક અને પરોપકારી પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે. હવે તેમણે પોતાની વ્યવસાયિક સફળતાને ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ સાથે જોડીને આટલું મોટું દાન અર્પણ કર્યું છે.

જાહેરાત

હવે વાત કરીએ ભગવાનને અર્પણ કરવામાં આવેલા આ કિંમતી આભૂષણોની. 121 કિલો સોનામાંથી આશરે 106 કિલો સોનાનો ઉપયોગ ભગવાન શ્રી વેંકટેશ્વર માટેના આભૂષણો તૈયાર કરવામાં થયો છે, જ્યારે બાકીના 15 કિલો સોનામાંથી તિરુચાનૂર સ્થિત દેવી પદ્માવતી માટે સુવર્ણ સાડી તૈયાર કરવામાં આવશે. આ આભૂષણોમાં સોનાનો મુગટ, ગળાના હાર, કમરપટ્ટો, પગનાં કવચ, ઝાંઝર, હાથનાં કડા, ખભાના આભૂષણો અને કાનનાં ઘરેણાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાઘના નખની આકૃતિ ધરાવતું પેન્ડન્ટ, સર્પાકાર ડિઝાઇનનો કમરપટ્ટો અને ભગવાનના શંખ તથા ચક્ર માટે વિશેષ સોનાનાં કવચ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. આ તમામ આભૂષણો ચેન્નાઈમાં મંદિરની પરંપરા અને ધાર્મિક વિધિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયાં છે. ખાસ વાત એ છે કે આ ઘરેણાંમાં હીરા, માણેક, નીલમ અને અન્ય કિંમતી રત્નો પણ જડવામાં આવ્યાં છે. આ રીતે 121 કિલો સોનાનું આ દાન માત્ર સંપત્તિનું પ્રદર્શન નહીં, પરંતુ ભક્તિ, આસ્થા અને સમર્પણનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત