Video: સીમાંકન બિલ પર ઈન્ડિયા ગઠબંધનની એકતામાં તિરાડ, DMK કરી શકે બિલને સમર્થન

સોર્સ: gstv

સંસદના બે દિવસીય સંસદમાં પરિસિમને બિલની અટકળને લઈ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. જેની વચ્ચે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને મોટો રાજકીય ઝટકો લાગી શકે છે. અત્યાર સુધી સરકારના પ્રસ્તાવનો વિરોધ કરી રહેલા વિપક્ષી પક્ષોમાં હવે મતભેદો સામે આવવા લાગ્યા છે. ખાસ કરીને તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે સરકારને શરતી સમર્થન આપવાનું વિચારી રહી હોવાના દાવા બાદ રાજકીય હલચલ તેજ બની છે. કોંગ્રેસના સાંસદ મનોજ કુમારે દાવો કર્યો છે કે સ્થાયી સમિતિની બેઠક દરમિયાન ડીએમકેના કેટલાક સાંસદો સાથે સીમાંકન બિલ અંગે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ડીએમકેના સાંસદોએ કેટલીક શરતો સાથે સરકારને સમર્થન આપવાની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે, મનોજ કુમારે સ્પષ્ટ કર્યું કે ડીએમકેના સાંસદોએ કઈ શરતો મૂકી હતી તે તેમને બરાબર યાદ નથી. તેમણે આ વાતને પોતાના માટે આશ્ચર્યજનક ગણાવી હતી, કારણ કે અત્યાર સુધી તેમનું માનવું હતું કે ડીએમકે કોઈપણ સંજોગોમાં આ બિલનું સમર્થન નહીં કરે. જોકે, ડીએમકેએ સ્પષ્ટ કર્યું છે કે નવા બિલની જોગવાઈઓ જોયા બાદ જ પાર્ટી પોતાનું અંતિમ વલણ નક્કી કરશે. 22 સાંસદો ધરાવતી ડીએમકેનું વલણ બદલાય તો સંસદમાં સરકાર અને વિપક્ષ બંનેના રાજકીય ગણિત પર તેની અસર પડી શકે છે. હવે 30 નવેમ્બર સુધી ડીએમકેના અંતિમ નિર્ણય પર સૌની નજર રહેશે.

માત્ર ડીએમકે જ નહીં, પરંતુ વિપક્ષના અન્ય કેટલાક પક્ષો પણ સીમાંકન બિલને લઈને પોતાના વલણમાં ફેરફાર કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં સાંસદ સુપ્રિયા સુલેએ પણ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને શરતો સાથે સમર્થન આપવાની સંભાવના વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે. તેમના આ નિવેદનથી વિપક્ષી ગઠબંધનની અંદર વધુ ચર્ચા શરૂ થઈ છે. પરંતુ જ્યારે તેમને સમર્થન અંગે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે હજુ તેમણે પરિસિમન બિલ કેવું છે તે ખબર નથી તો પછી હુ કેવી રીતે સમર્થન આપી શકુ. વધુમાં તેમણે જણાવ્યુ કે પરિસિમન બિલનો ડ્રાફ્ટ વાચ્યા બાદ જ તેઓ નિર્ણય લેશે.

જાહેરાત

બાઈટ -

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ હાલ તૂટી ચૂકી છે તેથી તેમના કેટલાક સાંસદો પણ પાર્ટીના સત્તાવાર વલણથી અલગ જઈને સરકારના સમર્થનમાં મતદાન કરી શકે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે, આ અંગે કોઈ અંતિમ નિર્ણય કે સત્તાવાર જાહેરાત થઈ નથી. મહત્વનું છે કે સીમાંકન જેવા બંધારણીય અને રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દે વિપક્ષી પક્ષો વચ્ચે એકસમાન વલણ જાળવવું ઇન્ડિયા ગઠબંધન માટે પડકાર બની રહ્યું છે. અત્યાર સુધી સરકાર સામે એકજૂથ દેખાતું વિપક્ષી ગઠબંધન હવે અલગ-અલગ પક્ષોની રાજકીય ગણતરીઓને કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

આ સમગ્ર ઘટનાક્રમથી કેન્દ્ર સરકાર માટે સીમાંકન બિલ પસાર કરાવવાની સંભાવનાઓને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. અત્યાર સુધી વિપક્ષી એકતાના કારણે સરકાર સામે બહુમતીનો પડકાર હતો, પરંતુ હવે ડીએમકે અને અન્ય પક્ષોના સંભવિત સમર્થનથી રાજકીય સ્થિતિ બદલાઈ શકે છે. જો વિપક્ષી ગઠબંધનના કેટલાક મહત્વના પક્ષો શરતો સાથે પણ સરકારની તરફેણમાં ઊભા રહે છે, તો સંસદમાં બિલના સમર્થનમાં સંખ્યાબળ વધવાની શક્યતા છે. જોકે, માત્ર સમર્થનની રાજકીય ઇચ્છા અને સંસદમાં અંતિમ મતદાન એક બાબત નથી. બિલની જોગવાઈઓ, પક્ષોના અંતિમ નિર્ણયો અને સાંસદોની સંખ્યા જ સરકારની સફળતા નક્કી કરશે. બીજી તરફ વિપક્ષ માટે પણ હવે પોતાના સાથી પક્ષોને એકજૂથ રાખવાનો મોટો પડકાર ઊભો થયો છે. સવાલ એ છે કે શું સીમાંકનના મુદ્દે ઇન્ડિયા ગઠબંધન તૂટી જશે? શું ડીએમકે સહિતના પક્ષો સરકારને સમર્થન આપશે? અને શું બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે મોદી સરકાર આ વખતે સીમાંકન બિલ પસાર કરાવવામાં સફળ રહેશે? સંસદના આગામી સત્રમાં આ તમામ સવાલોના જવાબ મળી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત