લોકસભાની બેઠકોમાં 50% વધારાની તૈયારી, સીમાંકન અને મહિલા અનામત બિલને કેબિનેટની મંજૂરી

કેન્દ્ર સરકારે બોલાવેલા સંસદના વિશેષ સત્ર અગાઉ મળેલી કેબિનેટ બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત સંબંધિત બંધારણ સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ હેઠળ લોકસભાની બેઠકોમાં 50% નો વધારો કરવાનું સૂચન કરાયું છે, જ્યારે રાજ્યો વચ્ચે બેઠકોની ફાળવણીની વર્તમાન વ્યવસ્થા આગામી 25 વર્ષ એટલે કે 2051 સુધી સ્થિર રાખવામાં આવશે.
બહુમતીના ગણિત સાથે સરકાર મેદાનમાં
અગાઉ એપ્રિલ મહિનામાં સીમાંકન અને મહિલા અનામત સુધારા બિલ પસાર કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન હોવાથી તે મંજૂર થઈ શક્યું ન હતું. છેલ્લા સાત મહિનામાં બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે સરકારને આ વખતે વિપક્ષના કેટલાક પક્ષોના સહયોગથી સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી મેળવવાની આશા છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ 2-3 ડિસેમ્બર આસપાસ મહત્ત્વનું બિલ રજૂ થવાના સંકેત આપ્યા છે અને તમામ સાંસદોને ગૃહની કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવવા તથા બિનજરૂરી નિવેદનબાજી ટાળવા અપીલ કરી છે.
વિપક્ષ અને સહયોગી પક્ષોમાં હલચલ
આ બિલને લઈને રાજકીય પક્ષોમાં સમર્થન અને વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસે તેને બંધારણ પર હુમલો ગણાવ્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી (AAP) એ તેનો વિરોધ કર્યો છે. AAP સાંસદ સંજય સિંહે દાવો કર્યો છે કે આ બિલથી દક્ષિણના રાજ્યોની તાકાત ઘટશે અને તેને 'ભાજપ જીતાઓ બિલ' ગણાવી DMK ને ટેકો ન આપવા ચેતવણી આપી છે. બીજી તરફ DMK અને BRS એ કેટલીક શરતો સાથે સમર્થનના સંકેત આપ્યા છે, જ્યારે RJDના સાંસદ ડૉ. સુરેન્દ્ર પ્રસાદ યાદવે વધતી વસ્તીને ધ્યાનમાં રાખી સીમાંકનને જરૂરી ગણાવી સમર્થન આપ્યું છે.
બેઠકો અને વ્હિપનો દોર
સંસદના વિશેષ સત્રને ધ્યાનમાં રાખીને રાજકીય હિલચાલ તેજ બની છે. શનિવારે સવારે 11:30 વાગ્યે INDIA ગઠબંધનના નેતાઓની બેઠક મળશે, તો શિવસેનાના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક 28 નવેમ્બરે મુંબઈમાં યોજાશે અને પક્ષ દ્વારા વ્હિપ પણ જારી કરાયો છે. ભાજપ પણ લોકસભા સાંસદો માટે 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ગૃહમાં હાજર રહેવા ત્રણ લાઈનનો વ્હિપ જારી કરવાની તૈયારીમાં છે, જ્યારે કેબિનેટ બેઠક બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દિલ્હીમાં NDA ના સહયોગી નેતાઓને મળવા રવાના થયા છે.








