Video: દિલ્હીની જનતા માટે કાચા મકાન, નેતાજી માટે ૪૫ કરોડનો 'શીશ મહેલ' આલીશાન! કેવો છે કેજરીવાલના 'શીશ મહેલ'નો અસલી રંગ?

સાદગીના નારા લગાવતી રાજનીતિ જ્યારે કરોડોની ચમકમાં ઝળહળે, ત્યારે જનતા સવાલ પૂછે જ છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સરકારી નિવાસસ્થાન શીશ મહેલ ફરી રાજકીય ચર્ચામાં આવ્યું છે. ભાજપ સરકાર હવે આ મહેલ જનતા માટે ખોલવાની તૈયારીમાં છે, જેથી લોકો પોતે જ વૈભવની ઝલક જોઈ શકે..
દિલ્હીના 6, ફ્લેગસ્ટાફ રોડ પર આવેલું આ નિવાસસ્થાન શુક્રવારે થોડા સમય માટે મીડિયાને બતાવવામાં આવ્યું હતું. ભાજપે 2025ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ આવાસને શીશ મહેલ નામ આપીને આમ આદમી પાર્ટી પર સરકારી નાણાંના દુરુપયોગના આરોપ લગાવ્યા હતા. હવે ભાજપની દિલ્હી સરકાર તેને સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવા જઈ રહી છે. લોકો ટિકિટ લઈને આ સ્થળની મુલાકાત લઈ શકશે, જોકે મુલાકાતની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. લોક નિર્માણ વિભાગના મંત્રી પ્રવેશ વર્માએ જણાવ્યું હતું કે, સરકારનો હેતુ લોકોને બતાવવાનો છે કે પૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર સરકારી નાણાં કેવી રીતે ખર્ચાયા. પરિસરમાં રાખવામાં આવેલી વસ્તુઓ, સુવિધાઓ અને તેમની કિંમતોની વિગતો પણ દર્શાવવામાં આવશે. ઓનલાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા કરાશે અને પ્રવેશ ફી આશરે 20 રૂપિયા હોઈ શકે છે. જોકે, અંતિમ નિર્ણય હજુ જાહેર થયો નથી.
ભાજપ સતત આરોપ લગાવતી રહી છે કે સાદગીની રાજનીતિનો દાવો કરનાર કેજરીવાલે પોતાના સરકારી આવાસમાં મોંઘી સુવિધાઓ અને વૈભવી સજાવટ કરાવી હતી. હવે ભાજપના કટાક્ષમાં જાણે એવો સંદેશ છે કે જે આવાસમાં જનતાના પૈસે વૈભવ ઊભો થયો, ત્યાં જનતા હવે ટિકિટ લઈને પ્રવેશ કરશે. બીજી તરફ, આમ આદમી પાર્ટી આ આરોપોને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવે છે. પાર્ટીનું કહેવું રહ્યું છે કે આ મુખ્યમંત્રીનું સત્તાવાર સરકારી નિવાસસ્થાન હતું, કોઈ ખાનગી મહેલ નહોતો.
કેગના અહેવાલમાં આવાસના બાંધકામ અને નવીનીકરણ પાછળ 33.66 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું નોંધાયું હતું, જ્યારે શરૂઆતનો અંદાજ માત્ર 7.91 કરોડ રૂપિયા હતો. અહેવાલમાં ખર્ચમાં થયેલા વધારા અને બાંધકામ પ્રક્રિયા સંબંધિત કેટલીક અનિયમિતતાઓનો પણ ઉલ્લેખ હતો. ભાજપ આ અહેવાલને પોતાના આરોપોના સમર્થનમાં રજૂ કરતી રહી છે. સરકારની યોજના મુજબ, મર્યાદિત સમય માટે લોકો આ પરિસર જોઈ શકશે. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટાલિટી એજન્સીને સોંપવાનો વિચાર છે, જ્યાં સરકારી બેઠકો, પરિષદો અને ભોજનું આયોજન થઈ શકે. આમ, શીશ મહેલ હવે રાજકીય પ્રતીકથી જાહેર મુલાકાત અને સંભવિત સરકારી કાર્યક્રમોના સ્થળમાં ફેરવાઈ શકે છે.











