દિલ્હીની જામા મસ્જિદ પોલીસ ચોકીમાં ચાકુથી હુમલો: 5 પોલીસકર્મીઓ ઘાયલ, આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ

દિલ્હીની જામા મસ્જિદ પોલીસ ચોકીમાં ચાકુથી હુમલો: 5 પોલીસકર્મીઓ ઘાયલ, આરોપી પર પોલીસે કર્યું ફાયરિંગ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દેશની રાજધાની દિલ્હીની જામા મસ્જિદ પોલીસ ચોકીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા એક શખ્સે અચાનક પોલીસકર્મીઓ પર ચાકુથી હુમલો (Knife Attack) કરી દીધો હતો. આ હુમલામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે પોલીસે આરોપી સામે ફાયરિંગ કર્યું હતું અને તેને કસ્ટડીમાં લીધો છે.

માતા અને બહેનને હેરાન કરવાની ફરિયાદ મળી હતી

મળતી માહિતી મુજબ, પોલીસને એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ મળી હતી કે તે પોતાની માતા અને બહેનને પરેશાન કરી રહ્યો છે. આ ફરિયાદના આધારે દિલ્હી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને પૂછપરછ માટે તેને જામા મસ્જિદ પોલીસ ચોકીમાં બોલાવ્યો હતો. પોલીસકર્મીઓ આરોપીની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેણે ચાકુ કાઢીને ત્યાં હાજર પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાથી પોલીસ ચોકીમાં અફરાતફરી મચી ગઈ હતી. હુમલામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જાહેરાત

ત્રણ પોલીસકર્મીઓની હાલત ગંભીર

અહેવાલ મુજબ, ઘાયલ થયેલા પાંચ પોલીસકર્મીઓમાંથી ત્રણની સ્થિતિ ગંભીર છે. તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે પોલીસકર્મીઓને સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસે આરોપીને કાબૂમાં લેવા ફાયરિંગ કર્યું હતું. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઘાયલ પોલીસકર્મીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ ચોકી જેવી સુરક્ષિત જગ્યાએ જ પોલીસકર્મીઓ પર થયેલા આ હુમલાને પગલે સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાની અન્ય વિગતો અંગે વધુ તપાસ બાદ સ્પષ્ટતા થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત