જામા મસ્જિદ પોલીસ સ્ટેશનમાં ખળભળાટ: 5 પોલીસકર્મીઓ પર ચાકુના ઘા ઝીંકાયા, 3ની હાલત અત્યંત ગંભીર; જાણો શું છે સમગ્ર મામલો?

રાજધાની દિલ્હીના જામા મસ્જિદ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા એક શખ્સે પોલીસકર્મીઓ પર જ ચાકુથી હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપીને ગોળી મારીને કાબૂમાં લીધો હતો.
ઘાયલ પોલીસકર્મીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
પ્રાપ્ત વિગતો અનુસાર, હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ પોલીસકર્મીઓને સંજીવની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હાલ તમામ ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે.
પૂછપરછ દરમિયાન અચાનક કર્યો હુમલો
ઘટનાની વિગત મુજબ, દિલ્હી પોલીસને ફરિયાદ મળી હતી કે એક શખ્સ તેની માતા અને બહેનને હેરાન કરી રહ્યો છે. આ ફરિયાદના આધારે કાર્યવાહી કરતા પોલીસે આજે તે શખ્સને જામા મસ્જિદ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે બોલાવ્યો હતો. જ્યારે પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ ચાલી રહી હતી, તે દરમિયાન તેણે અચાનક ઉશ્કેરાઈને પોલીસકર્મીઓ પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો.
આ ઘટના બાદ પોલીસ સ્ટેશન પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.











