Video: સીમાંકન બિલ પસાર કરાવવા સરકારની કવાયત

સંસદનું ટૂંકું સત્ર બોલાવતાં જ દેશના રાજકીય વર્તુળોમાં સીમાંકન બિલને લઈને ચર્ચા તેજ બની છે. કેન્દ્ર સરકારે 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી સંસદની બેઠકો યોજવાનો નિર્ણય કર્યો છે. લોકસભાની બેઠક 30 નવેમ્બરથી જ્યારે રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બરથી શરૂ થવાની છે. સરકાર ભલે સત્રમાં આવશ્યક સરકારી કામકાજ હાથ ધરવાની વાત કરી રહી હોય, પરંતુ સીમાંકન અને મહિલા અનામતને જોડતા બંધારણીય સુધારા બિલને ફરી રજૂ કરવાની અટકળો તેજ બની છે. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકાર આ વખતે બિલ પસાર કરાવવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતીનો આંકડો મેળવી શકશે?
બંધારણ દિવસના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 33 ટકા મહિલા અનામતને લઈને સરકારનો મક્કમ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દેશની માતૃશક્તિને સંસદ અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત ચોક્કસ મળશે અને તેને કોઈ રોકી શકશે નહીં. શાહના આ નિવેદન બાદ સીમાંકનને લઈને રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. સરકાર મહિલા અનામતના અમલીકરણને સીમાંકન સાથે જોડીને આગળ વધવા માગે છે, જ્યારે વિપક્ષ આ પ્રક્રિયાના સમય, પદ્ધતિ અને રાજકીય અસરો સામે સવાલો ઉઠાવી રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર સત્તામાં રહેવા માટે પોતાની મરજીથી સિમાંકન કરવા માટે ષડયંત્ર કરી રહી છે.
સંસદના આગામી સત્ર પહેલાં જ વિપક્ષે સીમાંકનના મુદ્દે સરકાર સામે મોરચો ખોલ્યો છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે સીમાંકનને ભાજપનું કાવતરું ગણાવતાં આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે જો શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે આજે જીવિત હોત અથવા શરદ પવાર સ્વસ્થ હોત, તો સરકાર આ પ્રકારનું બિલ રજૂ કરવાની હિંમત કરી શકત નહીં. રાઉતે સીમાંકનનો વિરોધ કરતાં કહ્યું કે આ પ્રક્રિયા લોકોની લોકશાહી શક્તિ છીનવી લેવાનું ષડયંત્ર છે. તેમણે બિલનું સમર્થન કરનારાઓને 21મી સદીના સૌથી મોટા દેશદ્રોહીઓ ગણાવવાની ચેતવણી પણ આપી છે.
રાઉતે ભાજપ પર વોટ ચોરી અને ઈવીએમમાં ગડબડના આરોપો બાદ સીમાંકનના નામે નવો રાજકીય ખેલ રમવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સીમાંકનને ભાજપની સૌથી મોટી રાજકીય ભૂલ ગણાવ્યું છે. તેમણે સરકારની મંશા અને સત્તા જાળવી રાખવાની રાજકીય વ્યૂહરચના પર સવાલ ઉઠાવ્યા છે. અખિલેશ યાદવે લખ્યુ કે, આ સરકારના લોકો સરળતાથી સત્તા છોડશે નહી.
જયારે કોંગ્રેસે પણ સીમાંકનના મુદ્દે સરકાર સામે સતત આક્રમક રહી છે. પાર્ટી આ સમગ્ર પ્રક્રિયાને બંધારણ પર હુમલો ગણાવી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે મહિલા અનામતના નામે સીમાંકનને આગળ ધપાવી સરકાર ચૂંટણીક્ષેત્રોની રચનામાં રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. વિપક્ષે સરકાર પર સાંસદો અને રાજકીય પક્ષો પર દબાણ લાવવાનો પણ આરોપ લગાવ્યો છે. જોકે, સરકાર તરફથી મહિલા અનામતના અમલીકરણને પ્રાથમિકતા આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પહેલાં એપ્રિલમાં રજૂ થયેલું બંધારણીય સુધારા બિલ લોકસભામાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવી શક્યું નહોતું. હવે ફરી સંસદની બેઠકો બોલાવવામાં આવી છે ત્યારે રાજકીય ગણિત, પ્રાદેશિક પક્ષોનું વલણ અને વિપક્ષની એકતા સરકાર માટે નિર્ણાયક બની શકે છે. શું આ વખતે સરકાર સીમાંકન અને મહિલા અનામતને જોડતું બિલ પસાર કરાવવામાં સફળ રહેશે કે ફરી બહુમતીના અભાવે બિલ અટકી જશે. સંસદના આગામી સત્રમાં આ રાજકીય જંગ વધુ તેજ બનવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.











