Video: ન્યાયતંત્રમાં સમાન પ્રતિનિધિત્વની માંગ: પૂર્વ CJI જસ્ટિસ ગવઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખ્યો પત્ર

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને સુપ્રીમ કોર્ટ કોલેજિયમની કાર્યપ્રણાલી એટલે ભારતની સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક, બઢતી અને બદલી કરવા માટેની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ ગવઈએ આક્ષેપ કર્યો છે કે કોલેજિયમ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ભલામણોમાં માત્ર એક જ સમુદાયને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ વલણને કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, મહિલાઓ અને અન્ય લાયક ઉમેદવારોની અવગણના થઈ રહી છે. તેમણે આ પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને પણ મોકલી છે.
સરકારી આંકડાઓનો હવાલો આપી રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની માંગ
જસ્ટિસ ગવઈએ આ મામલે રાષ્ટ્રપતિ પાસે સીધા હસ્તક્ષેપની માંગ કરતા સંસદમાં રજૂ કરાયેલા સરકારી આંકડાઓનો હવાલો આપ્યો છે. પત્ર મુજબ, વર્ષ 2018થી અત્યાર સુધીમાં દેશની વિવિધ હાઇકોર્ટમાં નિયુક્ત થયેલા કુલ 715 ન્યાયાધીશોમાંથી માત્ર 22 અનુસૂચિત જાતિ, 16 અનુસૂચિત જનજાતિ, 89 અન્ય પછાત વર્ગ અને 37 લઘુમતી સમુદાયના છે.આ અંગે જસ્ટિસ ગવઈએ વધુમાં જણાવ્યું કે જાન્યુઆરી 2021થી જાન્યુઆરી 2026 વચ્ચે થયેલી નિમણૂકોમાં આશરે 80 ટકા પદ સામાન્ય વર્ગના ફાળે ગયા છે, જ્યારે ઓબીસી વર્ગને 14 ટકાથી પણ ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે. તેમણે એ બાબતે પણ ચિંતા વ્યક્ત કરી કે દેશની કુલ વસ્તીમાં પાંચ ટકાથી પણ ઓછો હિસ્સો ધરાવતા એક ખાસ સમુદાયનો સુપ્રીમ કોર્ટની 40 ટકાથી વધુ બેઠકો પર કબજો છે.
ન્યાયાધીશોની બદલી અને બઢતીની પ્રક્રિયા પર પણ નારાજગી
જસ્ટિસ ગવઈએ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બદલીની પ્રક્રિયા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે જે મુખ્ય ન્યાયાધીશની અગાઉ નાની હાઇકોર્ટમાં બદલી કરવામાં આવી હતી, હવે તેમની ભલામણ એક મોટી અને પ્રમુખ હાઇકોર્ટ માટે કરવામાં આવી રહી છે. અન્ય કોઈ વ્યક્તિનો રસ્તો સાફ કરવા માટે એક લાયક મુખ્ય ન્યાયાધીશની બદલી કરી દેવામાં આવી હતી.
પોતાની જવાબદારી સ્વીકારી, કોલેજિયમની જવાબદેહી પર મૂક્યો ભાર
પૂર્વ સીજેઆઈએ નિખાલસતાપૂર્વક એ પણ સ્વીકાર્યું કે તેઓ પોતે પણ આ નિર્ણયો લેનારા કોલેજિયમનો હિસ્સો રહ્યા છે. તેમણે કહ્યું કે, આ નિષ્ફળતાની થોડી જવાબદારી અમારા સૌ પર આવે છે, પરંતુ બંધારણીય મર્યાદાના લીધી આ પાછળના કારણો જાહેર ન કરવા જોઈએ. પત્રના અંતે જસ્ટિસ ગવઈએ રાષ્ટ્રપતિને યાદ અપાવ્યું કે ન્યાયિક નિમણૂકોમાં કોલેજિયમની સર્વોચ્ચતાનો અર્થ એ બિલકુલ નથી કે તે કોઈના પ્રત્યે જવાબદાર નથી. કોલેજિયમ બંધારણની કલમ 124(2) હેઠળ બંધારણની રક્ષા કરવાની પોતાની ફરજમાંથી મુક્ત થઈ શકે નહીં.











