Video: થોડા જ મહિનામાં પરિસિમન બીલ પર સરકારે બદલ્યો નંબરોનો ખેલ

સોર્સ: gstv

કેન્દ્ર સરકારે લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં 50 ટકા વધારો કરવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ સાથે આગામી 25 વર્ષ સુધી બેઠકોની સંખ્યા સ્થિર રાખવાની અને સીમાંકન માટે 2011ની વસ્તી ગણતરીના આંકડા ધ્યાનમાં લેવાની જોગવાઈ કરવામાં આવી હોવાના અહેવાલ છે. બેઠકોમાં 50 ટકા વધારાની જોગવાઈથી દક્ષિણનાં રાજ્યોમાં બેઠકો ઘટવાની આશંકા અને વસ્તી નિયંત્રણના પ્રયાસોને લઈને ઊભી થયેલી ચિંતા દૂર કરવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. હવે 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભામાં બિલ રજૂ કરવાની તૈયારી છે. ત્યારે સવાલ એ છે કે અગાઉ સંસદમાં આ બિલ પસાર કરવામાં નિષ્ફળ રહેલી સરકારને હવે ફરી બિલ રજૂ કરવાનો આત્મવિશ્વાસ ક્યાંથી મળ્યો છે. ઘણા સમિકરણ બદલાયા છે. જેથી સરકારની સ્થિતિ મજબૂત થઈ છે.

આ વર્ષની 17 એપ્રિલે લોકસભામાં બંધારણીય સુધારા બિલ પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ રહી હતી. મતદાન દરમિયાન 298 સાંસદોએ બિલના સમર્થનમાં, જ્યારે 230 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું. બંધારણીય સુધારા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતીના આંકડા સુધી સરકાર પહોંચી શકી નહોતી. બિલ પસાર કરવા માટે હાજર અને મતદાન કરનારા સભ્યોના બે તૃતીયાંશ મત જરૂરી હતા. ત્યારે મહિલા અનામતને સીમાંકન અને લોકસભાની બેઠકો વધારવાની પ્રક્રિયા સાથે જોડવાના સરકારના પ્રયાસને વિપક્ષે વિરોધ કર્યો હતો. હવે ફરી સંસદનું ખાસ સત્ર બોલાવી સરકાર આ જ મુદ્દે કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવા જઈ રહી છે. પરંતુ આ વખતે સંસદમાં રાજકીય સમીકરણો બદલાયાં હોવાના સંકેતો મળી રહ્યા છે.આખરે સ્થિતિ સરકાર પક્ષ તરફ થતા સરકાર ફરી એક વખત સંસદમાં બિલ રજૂ કરી રહી છે.

જાહેરાત

સરકાર માટે સૌથી મોટો બદલાવ તૃણમૂલ કોંગ્રેસના કેટલાક સાંસદોના બળવાખોર વલણથી થઈ શકે છે. અહેવાલો પ્રમાણે, પક્ષના કેટલાક સાંસદો બિલને સમર્થન આપી શકે છે. બીજી તરફ, ડીએમકે પણ અગાઉના વિરોધી વલણથી અલગ સમર્થન અંગે વિચારણા કરી રહી હોવાના સંકેતો છે. જો ડીએમકે સમર્થનમાં આવે તો સરકારની મોટાભાગની મુશ્કેલી દૂર થઈ શકે છે.  શરદ પવારની એનસીપી તરફથી પણ શરતી સમર્થનનું વલણ સામે આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના કેટલાક રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા બાદ સંસદમાં સરકારની સ્થિતિ વધુ મજબૂત બની હોવાના રાજકીય ગણિત રજૂ કરવામાં આવી રહ્યા છે. જોકે, આ પક્ષો અને સાંસદોના અંતિમ વલણની સત્તાવાર પુષ્ટિ મતદાન સમયે જ થશે. સંભવિત સમર્થન, બદલાતા રાજકીય સમીકરણો અને દક્ષિણનાં રાજ્યોની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસ વચ્ચે સરકાર ફરી બિલ રજૂ કરવા જઈ રહી છે. હવે ખાસ સત્રમાં સરકાર બહુમતીનો આંકડો પાર કરી શકશે કે નહીં, તેના પર રાજકીય નજર રહેશે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત