Video: પશ્ચિમ બંગાળમાં વોન્ટેડ ક્રિમિનલ ફિલ્મી ઢબે ઝડપાયો

પશ્ચિમ બંગાળના આસનસોલમાં પોલીસ અને વોન્ટેડ ક્રિમિનલ વચ્ચે રોમાંચક ઢબે પીછો કરવાની ઘટના અને ફિલ્મી ઢબે એન્કાઉન્ટર અને ધરપકડનો ઘટના ક્રમ સર્જાયો છે. હિસ્ટ્રીશીટર પ્રતાપ દાસ ઉર્ફે પ્યાઓનને પકડવા માટે પોલીસની ટીમ જ્યારે પહેલીવાર પહોંચી હતી, ત્યારે પ્રતાપ દાસે પોલીસ પર જ ગોળીબાર કર્યો હતો અને દીવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો. ત્યારથી આસનસોલ પોલીસ તેની શોધખોળમાં લાગી હતી. બુધવારે 25 નવેમ્બરે આસનસોલના હીરાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇસ્માઇલના ગુરુ નાનક પલ્લી વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની હતી. પોલીસને બાતમી મળી હતી કે પ્રતાપ દાસ પોતાની પત્નીને મળવા ઘરે આવ્યો છે. આ માહિતીના આધારે આસનસોલ દક્ષિણ પોલીસની ટીમ તેને પકડવા પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, ટીમે તેના ઘરને ચારે તરફથી ઘેરી લીધું હતું. પરંતુ પોલીસને જોઈને પ્રતાપે બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ઘરની પાછળની દીવાલ કૂદીને ભાગી છૂટ્યો. ગોળી દીવાલમાં વાગી હતી, જોકે સદનસીબે કોઈ પોલીસકર્મી કે સ્થાનિક નાગરિકને ઈજા થઈ નહોતી. આ ઘટનાએ પોલીસ માટે પડકાર ઊભો કર્યો અને ફરાર આરોપીને પકડવા આસનસોલ ઉત્તર, આસનસોલ દક્ષિણ અને હીરાપુર પોલીસની સંયુક્ત ટીમો મેદાનમાં ઉતરી હતી.
પ્રતાપ દાસને પકડવા માટે પોલીસે આસનસોલના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ તેજ કરી હતી. તેના સંભવિત ઠેકાણાઓ પર નજર રાખવામાં આવી રહી હતી, તો બીજી તરફ આસપાસના વિસ્તારોમાં પણ ચેકિંગ વધારવામાં આવ્યું હતું. આખરે શુક્રવાર, 27 નવેમ્બરની વહેલી સવારે પોલીસને બાતમી મળી કે પ્રતાપ દાસ ઇસ્માઇલ વિસ્તારમાં એક મકાનમાં છુપાયેલો છે. આ વખતે પોલીસ કોઈ જોખમ લેવા માગતી નહોતી. આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ એટલે કે SOG અને હીરાપુર પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. સવારના સમયે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. પોલીસકર્મીઓ હાથમાં હથિયારો સાથે સોસાયટીની ગલીઓમાં પ્રવેશ્યા. કોઈ પોલીસકર્મી મકાનની આસપાસ તપાસ કરતો જોવા મળ્યો, તો કોઈ દીવાલ કૂદીને અંદર પહોંચવાનો પ્રયાસ કરતો દેખાયો. રહેણાક વિસ્તાર હોવાથી પોલીસ અત્યંત સાવચેતી સાથે આગળ વધી રહી હતી. પોલીસને આશંકા હતી કે પ્રતાપ ફરી ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કરી શકે છે. અને થયું પણ કંઈક આવું જ. પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રતાપે પોલીસ ટીમને જોઈને ફરી હથિયાર કાઢ્યું અને ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો. જવાબમાં પોલીસે વળતું ફાયરિંગ કર્યું. આ દરમિયાન પ્રતાપના જમણા પગમાં ગોળી વાગી અને તે ઘાયલ થઈને નીચે પડી ગયો. ત્યારબાદ પોલીસકર્મીઓએ તેને કાબૂમાં લીધો અને મકાનમાંથી બહાર લાવ્યા. આરોપીને સારવાર માટે આસનસોલ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસની દોડધામ, મકાનોની આસપાસ ઘેરાબંધી અને આરોપીને પકડીને બહાર લાવવાનાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં છે.
પરંતુ આખરે આ પ્રતાપ દાસ કોણ છે, જેને પકડવા માટે પોલીસને આટલી મોટી કવાયત કરવી પડી. પોલીસના અહેવાલો પ્રમાણે, આશરે 24 વર્ષનો પ્રતાપ દાસ આસનસોલના હીરાપુર વિસ્તારનો રહેવાસી છે અને સ્થાનિક પોલીસના રેકોર્ડમાં હિસ્ટ્રીશીટર તરીકે ઓળખાય છે. તેની સામે સાયબર છેતરપિંડી, લૂંટ અને હત્યા સહિતના ગુનાઓમાં સંડોવણીના આક્ષેપો છે. ગેરકાયદે હથિયારોના વેપાર અને ડ્રગ્સની હેરાફેરી સાથે પણ તેનું નામ જોડવામાં આવ્યું હોવાના અહેવાલો છે. અહેવાલો પ્રમાણે, તે તાજેતરમાં જ ન્યાયિક કસ્ટડીમાંથી જામીન પર બહાર આવ્યો હતો અને સાયબર ફ્રોડના કેસમાં પોલીસ તેની શોધમાં હતી. હવે પોલીસ પર ફાયરિંગ કરીને ફરાર થવા અને ફરીથી ગોળીબાર કરવાનો પ્રયાસ કરવાના આરોપોની પણ તપાસ થશે. આમ, પહેલીવાર પોલીસને થાપ આપીને દીવાલ કૂદીને ભાગેલો વોન્ટેડ ક્રિમિનલ આખરે બીજી કાર્યવાહીમાં ઘાયલ હાલતમાં પોલીસના હાથે ઝડપાયો છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી












