જાસૂસી કરતા વસીમ અકરમ ઝડપાયો, ફોનમાંથી મળી કેટલીક ચેટ્સ
હરિયાણામાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં વધુ એક યૂ ટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ પલવલના હથીનના કોટ ગામના રહેવા

હરિયાણામાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં વધુ એક યૂ ટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ પલવલના હથીનના કોટ ગામના રહેવાસી વસીમ અકરમના રૂપમાં થઇ છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે 26 સપ્ટેમ્બરે પલવલ જિલ્લાના આલીમેલ ગામના 35 વર્ષીય તૌફિકને પોલીસે જાસૂસી કરવાના આરોપમાં ઝડપ્યો હતો. પોલીસ રિમાન્ડ દરમિયાન તૌફિકે તેની સાથે જોડાયેલા કેટલાક લોકો અને પાકિસ્તાની નેટવર્ક વિશે જાણકારી આપી હતી. તે બાદ વસીમ અકરમની અટકાયત કરવામાં આવી હતી.
પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓને સિમકાર્ડ આપ્યા હતા
તપાસમાં જાણવા મળ્યું કે વર્ષ 2021માં વસીમે સંબંધીઓને મળવા માટે પાકિસ્તાનના વિઝા બનાવડાવ્યા હતા. આ દરમિયાન તેની મુલાકાત પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત દાનિશ અને એક અન્ય કર્મચારી સાથે થઇ હતી. વસીમ ત્યારથી તેમના સંપર્કમાં હતો અને ચાર વર્ષથી વોટ્સએપ દ્વારા સૂચનાઓની આપ-લે કરતો હતો. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે વસીમે દિલ્હી જઇને પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓને એક સિમ કાર્ડ પણ આપ્યું હતું.
જાસૂસના ફોનમાંથી મળી કેટલીક ચેટ્સ
પાકિસ્તાની જાસૂસ વસીમના ફોનમાંથી પોલીસને કેટલીક ચેટ્સ પણ મળી છે જેમાંથી કેટલીક ડિલેટ કરવામાં આવી હતી. આરોપી વિરૂદ્ધ દેશદ્રોહ સહિત કેટલીક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા પકડાયેલો તૌફિક ભારતીય સૈન્ય ગતિવિધિ સાથે જોડાયેલી સંવેદનશીલ જાણકારી પાકિસ્તાન હાઇકમિશનના એક કર્મચારીને મોકલતો હતો. તૌફિક વર્ષ 2022માં પોતાના સબંધીઓને મળવા પાકિસ્તાન ગયો હતો.
તે લોકોને પાકિસ્તાન મોકલવા માટે વિઝાનું પણ કામ કરતો હતો, તેને કેટલાક સ્થાનિક લોકોના વિઝા બનાવડાવી પાકિસ્તાન મોકલ્યા છે. તે દિલ્હીમાં પાકિસ્તાન હાઇકમિશનના કર્મચારી દાનિશના સંપર્કમાં હતો. પોલીસ તેના પુરા નેટવર્ક વિશે પૂછપરછ કરી રહી છે.
દાનિશ જ જાસૂસી નેટવર્કનો માસ્ટરમાઇન્ડ
નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇકમિશનના અધિકારી દાનિશ જ આખા જાસૂસી નેટવર્કનો માસ્ટરમાઇન્ડ છે. મેમાં હરિયાણાના હિસારથી પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પકડાયેલી યૂ ટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પણ દાનિશના સંપર્કમાં આવી હતી. આ સિવાય પંજાબથી પકડાયેલા એક યૂ ટ્યુબરને પણ પોતાની જાળમાં ફસાવ્યો હતો. આ બન્ને પાકિસ્તાન જઇ ચુક્યા હતા અને વીડિયો પોતાની ચેનલ પર નાંખતા હતા. દાનિશ એવા યૂ ટ્યુબરને ફસાવતો હતો અને તેમણે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇકમિશનમાં યોજાનારા કાર્યક્રમમાં બોલાવતો હતો. આટલું જ નહીં, પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન તેમની સરભરા પણ કરતો હતો.








