મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મણિપુરને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનાવવું છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે ૨૦૨૩માં મણિપુરમાં હિંસા શરૂ થઈ હતી તે ચુરાચાંદપુરમાં શનિવારે

મણિપુરને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક બનાવવું છે: PM મોદી

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે ૨૦૨૩માં મણિપુરમાં હિંસા શરૂ થઈ હતી તે ચુરાચાંદપુરમાં શનિવારે પહોંચ્યા હતા. તેમણે અઢી વર્ષથી હિંસાગ્રસ્ત મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયોને શાંતિ અને સામંજસ્યનો રસ્તો અપનાવવા ભાવુક અપીલ કરી હતી. તેમણે હિંસાગ્રસ્ત મણિપુરને શાંતિ, સમૃદ્ધિનું પ્રતીક બનાવવા હાકલ કરી હતી અને કહ્યું કે, કેન્દ્ર સરકાર મણિપુરના લોકો સાથે મજબૂતીથી ઊભી છે. આ સાથે પીએમ મોદીએ મિઝોરમ અને મણિપુરને કરોડો રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી હતી.

મે ૨૦૨૩થી ચાલતી હિંસા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી પહેલી વખત શનિવારે મણિપુર પહોંચ્યા

મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે મે ૨૦૨૩થી ચાલતી હિંસા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી પહેલી વખત શનિવારે મણિપુર પહોંચ્યા હતા. તેમણે ચુરાચાંદપુરમાં એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું, મણિપુરમાં કોઈપણ પ્રકારની હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. આ હિંસા આપણા પૂર્વજો અને ભાવી પેઢીઓ સાથે ભારે અન્યાય છે. તેથી આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર આગળ લઈ જવાનું છે. મણિપુરની આ ધરતી ઉત્સાહ અને હિંમતની ધરતી છે. આ પર્વતો અને ખીણ પ્રકૃતિના અનમોલ ઉપહાર છે. સાથે જ આ પર્વતો આપ બધા લોકોની નિરંતર મહેતનું પણ પ્રતિક છે.

 અનુસૂચિત જનજાતિ યાદીમાં સામેલ કરવા પર વિચાર કરવા નિર્દેશ અપાયો

મણિપુર હાઈકોર્ટે  મે ૨૦૨૩માં તત્કાલીન બીરેન સિંહ સરકારને મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ યાદીમાં સામેલ કરવા પર વિચાર કરવા નિર્દેશ અપાયો હતો, જેનો કુકી-જો સમુદાયે વિરોધ કરતા ચુરાચાંદપુરમાં રેલી કાઢી હતી. ત્યાર પછી રાજ્યમાં હિંસા ફેલાઈ હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં ૨૬૦થી વધુ લોકોનાં મોત થયા અને હજારો લોકો વિસ્થાપિત થઈ ગયા.

પીએમ મોદીએ શનિવારે ભારે વરસાદ વચ્ચે મિઝોરમથી રોડ માર્ગે કુકી બહુમતીવાળા ચુરાચાંદપુર અને મૈતેઈ બહુમતીવાળી ઈમ્ફાલ ખીણની મુલાકાત લીધી હતી. પીએમ મોદી બંને જગ્યા પર વિસ્થાપિત પરિવારોને મળ્યા હતા. મણિપુરના પ્રવાસમાં પીએમ મોદીએ રૂ. ૭,૩૦૦ કરોડથી વધુ મૂલ્યના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ૨૦૧૪થી અત્યાર સુધીમાં રાજ્યમાં હાઈવે માટે રૂ. ૩,૭૦૦ કરોડનો ખર્ચ કર્યો છે અને નવા હાઈવે પાછળ વધુ રૂ. ૮,૭૦૦ કરોડનો ખર્ચ કરશે. મણિપુરમાં હિંસાગ્રસ્ત લોકોને નવા આવાસના બાંધકામ માટે કેન્દ્ર સરકારે રૂ. ૭,૦૦૦ કરોડની ફાળવણી મંજૂર કરી છે. ઉપરાંત રૂ. ૩,૦૦૦ કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે.

આ સમાચાર શેર કરો