બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતી હિંસા ચિંતાનો વિષય: ભારતીય વિદેશ મંત્રાલય
ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને લઘુમતી

ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર માટે કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતી હિંસા ચિંતાનો વિષય છે, અમે દીપુ દાસની હત્યાની નિંદા કરીએ છીએ. અમને આશા છે કે આરોપીઓને કોર્ટના કઠેડામાં લાવવામાં આવશે. ભારત સરકારે બાંગ્લાદેશમાં વચગાળાની યુનુસ સરકારની નીતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
લઘુમતી હિન્દુઓ પર અત્યાચારની 2,900 ઘટનાઓ
ભારતીય વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું છે કે, 'બાંગ્લાદેશમાં વર્તમાન વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન લઘુમતી હિન્દુઓની હત્યા, આગચંપી અને જમીન પચાવી પાડવા સહિત 2,900 ઘટનાઓ સામે આવી છે.. આ સમાચારોને રાજકીય હિંસા કહીને નજર અંદાજ ન કરી શકાય, ભારત બાંગ્લાદેશમાં મુક્ત, ન્યાયી અને સમાવેશી ચૂંટણીઓ થાય તેવું ઈચ્છે છે. ભારત બાંગ્લાદેશના નાગરિકો સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે ત્યાં શાંતિ અને સ્થિરતાની આશા રાખીએ છીએ.'
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા
બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં બુધવાર (24 ડિસેમ્બર) મોડી રાત્રે ગામલોકોના એક ટોળાએ ખંડણીના આરોપમાં એક હિન્દુ વ્યક્તિને માર મારીને હત્યા નિપજાવી. બુધવાર રાત્રે અંદાજિત 11 વાગ્યે ટોળાએ હુમલો કર્યો. આ ઘટના દીપ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની મોબ લિંચિંગના થોડા દિવસ બાદ બની છે. મયમનસિંહના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળાએ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તેમના મૃતદેહને સળગાવી દીધો હતો.
ડેલી સ્ટારના અનુસાર, પાંગ્શા સર્કરના સહાય પોલીસ અધીક્ષક દેબ્રતા સરકારે જણાવ્યું કે, સ્થાનિક લોકો દ્વારા એક વ્યક્તિ પર હુમલો થયાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિતની ઓળખ અમૃત મંડળ તરીકે થઈ છે, જેની સમ્રાટના નામથી ઓળખ થઈ છે. પોલીસે તે ખુબ જ ગંભીર સ્થિતિમાં મળ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેને મૃત જાહેર કરાયો.








