તમિલનાડુમાં આજથી 'વિજય'રાજ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં
તમિલનાડુમાં અંતે શનિવારે અભિનેતામાંથી નેતા બનેલા વિજયની સરકારની રચના

તમિલનાડુમાં અંતે શનિવારે અભિનેતામાંથી નેતા બનેલા વિજયની સરકારની રચના અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના ભાગરૂપે સોમવારે પરિણામો જાહેર થતા તમિલનાડુમાં નવી સરકારની રચના માટે પોલિટિકલ ડ્રામા શરૂ થયો હતો, જેનો શનિવારે ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલના વિજયના તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ને બિનશરતી સમર્થન સાથે અંત આવ્યો છે.૫૯ વર્ષમાં પહેલી વાર, તમિલનાડુમાં બિન-ડીએમકે, બિન-એઆઈએડીએમકે સરકાર બની ગઈ છે.
જોસેફ વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બન્યા
તમિલનાડુમાં વિજય રાજની શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધી પણ આ શપથવિધી સમારોહમાં હાજર રહ્યા હતા. જોસેફ વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બન્યા છે. વિજયે નાના પક્ષોના સહારે સરકાર બનાવવા માટે જરૂરી સમર્થન મેળવવામાં વિજય મેળવ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહનો રાજકીય ડ્રામા વિજય માટે આગામી ચઢાણ કપરા રહેશે તેવા સંકેત આપે છે.વિજય સાથે મંત્રી તરીકે શપથ લેનારા નેતાઓમાં થિરુ એન. આનંદ, સીટીઆર નિર્મલ કુમાર, અરુણ રાજ અને આધવ અર્જુનનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓ ઉપરાંત, કીર્થના, રાજમોહન, વેંકટરામન અને સેંગોટાઈયન પણ મંત્રીમંડળનો ભાગ બનશે.કોંગ્રેસના ધારાસભ્યો ટીવીકેના વડા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર સી. જોસેફ વિજયના શપથ ગ્રહણ સમારોહ માટે જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. કોંગ્રેસના પાંચેય ધારાસભ્યોએ સરકાર બનાવવા માટે ટીવીકેને ટેકો આપ્યો હતો.
108 બેઠકો જીતી હતી ટીવીકે
તમિલનાડુમાં બે વર્ષ જૂની ટીવીકેએ પહેલી વખત ચૂંટણી લડતા 108 બેઠકો જીતીને ઈતિહાસ રચનારા થલાપતિ વિજય માટે સરકાર રચવા 234 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોના સમર્થન છતાં 118 ધારાસભ્યોનું સમર્થન મેળવવું મુશ્કેલ બની ગયું હતું. જોકે, ટીવીકેને શનિવારે સમર્થન આપનારા વીસીકે અને આઈએમયુએલ પાસે 2-2 ધારાસભ્યો છે. આ સાથે વિજયને 120 સભ્યોનું સમર્થન મળી ગયું છે. વિજયે શનિવારે સાંજે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની મુલાકાત લઈને તેમને 120 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપતા રવિવારે વિજયના શપથગ્રહણનો રસ્તો સાફ થઈ ગયો હતો.






