દેશમાં વહેલી સવારે બે અલગ-અલગ ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યો સહિત કુલ 9ના મોત
દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે બે અલગ-અલગ ભીષણ માર

દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે બે અલગ-અલગ ભીષણ માર્ગ અકસ્માતો સર્જાયા છે. આ બંને ગમખ્વાર અકસ્માતોમાં 3 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (થાણા પ્રભારી) અને 3 માસૂમ બાળકો સહિત કુલ 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘટનાઓને પગલે પોલીસ પ્રશાસન અને સ્થાનિક પંથકોમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર વ્યાપી ગઈ છે.
ઝારખંડમાં કાર ઝાડ સાથે અથડાતાં એક જ પરિવારના 5 સભ્યોના મોત
ઝારખંડના સિમડેગા જિલ્લાના કોલેબિરા પ્રખંડ હેઠળના અઘરમા નજીક એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઈને રોડ કિનારે આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ગાડીના કુચ્ચેકુચ્ચા ઊડી ગયા હતા અને ઘટનાસ્થળે જ એક જ પરિવારના 5 લોકોના મોત નીપજ્યા હતા. મૃતકોની ઓળખ લોહરદગાના રહેવાસી 58 વર્ષીય ગુલામ મુસ્તફા, તેમની 55 વર્ષીય પત્ની ગુલશન પરવીન અને ત્રણ માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. આ પરિવાર પોતાની દીકરીના સાસરે લસિયા ગામ જઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલી બે દીકરીઓ, એક બાળક અને ડ્રાઈવર અકરમ ખલીફાને ગંભીર હાલતમાં રાંચીની રીમ્સ (RIMS) હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોઈને એસડીઓ (SDO) સુમંત તિર્કી અને ધારાસભ્યો હોસ્પિટલ દોડી ગયા હતા.
બિહારના બેગુસરાઈમાં ટ્રક-કારની ટક્કરમાં ૩ થાણા પ્રભારી સહિત 4 ના કરુણ મોત
બિહારના બેગુસરાઈ જિલ્લાના સાહેબપુર કમાલ થાણા વિસ્તારમાં NH-31 પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પટના ખાતે એક દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામ પૂર્ણ કરીને કાર દ્વારા મધેપુરા પરત ફરી રહેલા પોલીસ અધિકારીઓની કાર આગળ જઈ રહેલા એક ટ્રક સાથે પાછળથી ધડાકાભેર ભટકાઈ ગઈ હતી. મૃતકોમાં મધેપુરા જિલ્લાના ત્રણ થાણા પ્રભારીઓ સાજન પાસવાન (રતવારા થાણા), નીરજ કુમાર (બેલારી થાણા), જ્ઞાનેન્દ્ર અમરેન્દ્ર (આરર થાણા) અને તેમના ખાનગી ડ્રાઈવર જ્યોતિષ કુમારનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બે થાણા પ્રભારી અને ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રીજા થાણા પ્રભારી સાજન પાસવાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બેગુસરાઈના એસપી (SP) મનીષ કુમાર અને ડીઆઈજી (DIG) શૈલેષ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. ટ્રેનિંગ લઈને પરત ફરી રહેલા જાંબાઝ અધિકારીઓના આકસ્મિક અવસાનથી બિહાર પોલીસ વિભાગમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.






