ટેરિફ વોર બાદ PM મોદી સાથે ટ્રમ્પની થઈ શકે છે મુલાકાત, આ દિવસે મળશે બંને દિગ્ગજ
અમેરિકા સાથે ટ્રેડ ટેરિફ બબાલ બાદ પહેલીવાર મલેશિયામાં પીએમ મોદીઅને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ શક

અમેરિકા સાથે ટ્રેડ ટેરિફ બબાલ બાદ પહેલીવાર મલેશિયામાં પીએમ મોદીઅને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ શકે છે. પીએમ મોદી અને ટ્રમ્પ બંને નેતાઓ આ મહિનાના અંતમાં મલેશિયાના કુઆલાલંપુરમાં યોજાનાર આશિયાન શિખર સંમેલનમાં ભાગ લેવાના છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મિટિંગ થઈ શકે છે. પીએમ મોદી 26-27 ઓક્ટોબર એમ બે દિવસ 47મા આશિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા મલેશિયાના પ્રવાસે છે.
મલેશિયાએ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ આ શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું છે. જો ટ્રમ્પ આમંત્રણનો સ્વીકાર કરશે તો આ પહેલો મંચ હશે જ્યાં ભારત ઉપર ટેરિફ લાદ્યા બાદ બંને નેતાઓ આમને સામને આવશે.
અમેરિકાએ અન્ય દેશોની સરખામણીમાં ભારતીય ઉત્પાદનો પર સૌથી વધુ ટેરિફ લાદ્યો હતો, જેના કારણે બંને દેશોના વેપાર સંબંધોમાં તિરાડ પડી છે. તેથી, આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાદ્યા બાદ પ્રથમ વખત PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આમને-સામને મળશે.
ટ્રમ્પ મોદીની મુલાકાતમાં આ ત્રણ મુદ્દા પર થશે ચર્ચા
જો પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત થાય છે તો આ આ ત્રણ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થવાની સંભાવના છે.
ટેરિફ અને વેપાર વિવાદ
રશિયાથી ક્રૂડ ઓઈલ આયાત
પાકિસ્તાન સંદર્ભે અમેરિકાની નીતિ
ટેરિફ વોર પછી પહેલી મુલાકાત
આ વર્ષે ભારત-અમેરિકા સંબંધોમાં નોંધપાત્ર તણાવ જોવા મળ્યો છે. અમેરિકા સાથે ભારતના સંબંધો કાયમથી સારા રહ્યા છે પરંતુ રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે રશિયાથી ક્રૂડ ખરીદતા સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો.પહેલા 25 ટકા ટેરિફ લાદ્યા બાદ વધુ 25 ટકા દંડનીય ટેરિફ લગાવતા ટ્રમ્પે ભારતીય માલ પર 50 ટકા ટેરિફ (આયાત ડ્યુટી) લાદી છે, જેના કારણે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પર અસર પડી છે. નોંધનીય છે કે, બંને નેતાઓ G7 સમિટ (કેનેડા, જૂન 2025)માં મળી શક્યા ન હતા.
જણાવી દઈએ કે ભારત ટેરિફ મુદ્દે પહેલેથી જ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે તે પોતાની ઊર્જા સુરક્ષા સાથે કોઈ સમજૂતિ નહીં કરે. અમેરિકા ભારત ઉપર સતત દબાણ કરવાનો પ્રયાસ કરે છે એવામાં ASEAN સમિટ માત્ર એશિયાઈ સહયોગ મંચ નહીં રહે. પરંતુ ભારત અમેરિકાના સંબંધોની પરીક્ષા પણ બની શકે છે. જો મોદી- ટ્રમ્પની મુલાકાત થશે તો બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર આવી શકે છે.
પાકિસ્તાન અને રશિયા અંગે તણાવ
અમેરિકા ભારત વચ્ચે તણાવ ફક્ત ટેરિફ પૂરતો મર્યાદિત નથી. ટ્રમ્પે પાકિસ્તાન સાથેની નિકટતા વધારતા પીએમ મોદી નારાજ છે. ટ્રમ્પે રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલ આયાત મુદ્દે સતત હુમલા કર્યા છે.
ASEANની મેજબાની કરશે મલેશિયા
ASEAN એ દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોનું એક પ્રાદેશિક સંગઠન છે, જેની સ્થાપના 8 ઓગસ્ટ, 1967 ના રોજ થઈ હતી, જેનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં 10 દેશોનો સમાવેશ થાય છે: ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, બ્રુનેઈ, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને કંબોડિયા. મલેશિયા 2025 માં આ જૂથનું નેતૃત્વ કરશે. આ દેશો ઉપરાંત, ઘણા અન્ય વૈશ્વિક નેતાઓ પણ સમિટમાં હાજરી આપશે.








