દિલ્હીની શૂઝ ફેક્ટરીમાં આગની કરુણ ઘટના: ‘ગાર્ડ દરવાજો બંધ કરીને જતો રહ્યો’, 4 કામદારોનાં ગૂંગળાઈને મોત

દિલ્હીના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા મંગોલપુરી ઇન્ડસ્ટ્રિયલ એરિયા ફેઝ-1ની એક શૂઝ ફેક્ટરીમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં ચાર કામદારોનાં ગૂંગળાઈને મોત થયા હતા. ઘટનામાં બે કામદારોને બેભાન હાલતમાં બચાવી લેવામાં આવ્યા હતા. સારવાર લઈ રહેલા 22 વર્ષીય વિકાસે આ ભયાનક ઘટનાની આપવીતી વર્ણવી છે. તેના કહેવા મુજબ, આગ લાગ્યા બાદ કામદારો બહાર નીકળવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ દરવાજો બંધ હોવાથી તેઓ ફસાઈ ગયા હતા.
‘દરવાજો બંધ હતો, બહાર નીકળી શક્યા નહીં’
બિહારથી રોજગારની શોધમાં દિલ્હી આવેલા વિકાસે જણાવ્યું કે તે ફેક્ટરીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. શુક્રવારે તેણે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધીની 12 કલાકની શિફ્ટ પૂરી કરી હતી. ત્યારબાદ તે પ્રથમ માળે સાથી કામદારો સાથે ભોજન કરી રહ્યો હતો. ભોજન બાદ વધારાનું કામ કરવાની તેની યોજના હતી. વિકાસે જણાવ્યું, “અમે બધા ભોજન કરી રહ્યા હતા ત્યારે આગ લાગી. ધુમાડો ઝડપથી ઉપર આવ્યો અને એટલો ગાઢ હતો કે કંઈ દેખાતું નહોતું.” કામદારો પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા બહાર નીકળવાના દરવાજા તરફ દોડ્યા, પરંતુ દરવાજો બંધ હતો. વિકાસે કહ્યું, “ગાર્ડ દરવાજો બંધ કરીને જતો રહ્યો હશે. બહાર નીકળવાનો દરવાજો સામે જ હતો, છતાં અમે બહાર જઈ શક્યા નહીં.” અધિકારીઓના જણાવ્યા મુજબ, ઇમારતમાં ટેક્નિકલ રીતે ચાર દરવાજા હતા, પરંતુ આગ સમયે ચારેય બંધ હોવાથી કામદારોને બહાર નીકળવાનો માર્ગ મળ્યો નહોતો.
ધુમાડાથી બચવા ટેરેસ તરફ દોડ્યા
બહાર નીકળવાનો રસ્તો બંધ હોવાથી કામદારો ટેરેસ તરફ જવા લાગ્યા. બચાવકર્મીઓને એક કામદાર ત્રીજા માળે અને પાંચ કામદારો ચોથા માળે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ચારને મૃત જાહેર કરવામાં આવ્યા. વિકાસે પોતાને બચાવવા કરેલા પ્રયાસ વિશે કહ્યું, “અમે બચવા માટે બધું જ કર્યું. ગળું રૂંધાતું અટકાવવા મેં કપડું મોઢામાં ભર્યું અને તેના પર પાણી રેડ્યું.” વિકાસને મંગોલપુરીની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. અન્ય બચાવાયેલા કામદાર હરિન્દર ICUમાં દાખલ છે.
એક મહિના પહેલાં જ ફેક્ટરીમાં કામ શરૂ કર્યું હતું
વિકાસે લગભગ એક મહિના પહેલાં જ ફેક્ટરીમાં કામ શરૂ કર્યું હતું. તે હેલ્પર તરીકે કામ કરતો હતો, પરંતુ અન્ય કામો પણ કરતો અને દર મહિને આશરે ₹15,000 કમાતો હતો. આગ લાગ્યા બાદ તેણે પહેલા પત્નીને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. ત્યારબાદ તેણે કઝિનનો સંપર્ક કર્યો, જેણે તેને તેની કાકી રેખાનો નંબર આપ્યો. વિકાસે કાકીને આગ અંગે જાણ કરી હતી. ફેક્ટરીની બહાર ભોજન કરવા ગયેલા કેટલાક કામદારોનો આબાદ બચાવ થયો હતો. 42 વર્ષીય રામાકાંતે જણાવ્યું કે તેની નિયમિત શિફ્ટ રાત્રે 9 વાગ્યે પૂરી થઈ હતી અને તે વધારાની શિફ્ટ કરવા માગતો હતો. જોકે, પત્નીએ તેને ઘરે જમવા જવા આગ્રહ કર્યો હતો. “હું પાછો આવ્યો ત્યારે બધે આગનાં વાહનો અને ધુમાડો હતો,” તેમ તેણે કહ્યું. અન્ય કામદાર મનોજે પણ જણાવ્યું કે આગની જાણ થતાં તે સ્થળે પહોંચ્યો હતો. ત્યાં લોકો બૂમો પાડી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ બહાર આવી શકતા નહોતા.








